<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ટાઈમ મેગેઝિન પર રિલાયન્સ અને ટાટા ગ્રુપનો દબદબો :વેક્સીન બનાવતી કંપનીને પણ સ્થાન

આ યાદીને 5 શ્રેણીઓમાં વહેંચવામાં આવી: લીડર્સ, ડિસપ્ટર્સ, ઇનોવેટર્સ, ટાઇટન્સ અને પાયોનિયર્સનો સમાવેશ

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત સાયરસ પૂનાવાલાની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા અને ટાટા ગ્રુપે પ્રખ્યાત અમેરિકન મેગેઝીન ટાઈમમાં જગ્યા બનાવી છે. આ ત્રણેયને વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની ટોપ 100 યાદીમાં સામેલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝીને વર્ષ 2024 માટે વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીને 5 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. આમાં લીડર્સ, ડિસપ્ટર્સ, ઇનોવેટર્સ, ટાઇટન્સ અને પાયોનિયર્સનો સમાવેશ થાય છે. દરેક શ્રેણીમાં 20 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

   મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ અને ટાટા ગ્રુપને ટાઇટન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને પાયોનિયર કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. ટાઈમ મેગેઝીને રિલાયન્સને 'ઈન્ડિયાઝ જગરનોટ'નું બિરુદ આપ્યું છે. મેગેઝિનમાં રિલાયન્સ વિશે લખવામાં આવ્યું છે કે ટેક્સટાઈલ અને પોલિએસ્ટર કંપની તરીકે શરૂ થયેલી રિલાયન્સ આજે એક મોટું બિઝનેસ ગ્રુપ છે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની પણ છે. કંપની પાસે એનર્જી, રિટેલ અને ટેલિકોમ સહિતના ઘણા બિઝનેસ છે.

  ટાઇમ મેગેઝિને રિલાયન્સ અને ડિઝની ડીલનો પણ ઉલ્લેખ કર્યો છે. મેગેઝિન કહે છે કે 8.5 બિલિયન ડોલરનો આ સોદો ભારતના ઝડપથી વિકસતા સ્ટ્રીમિંગ માર્કેટ પર રિલાયન્સની પકડ મજબૂત કરશે.

   ટાઈમ મેગેઝીને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક તરીકે સામેલ કરી છે. ટાટા ગ્રુપ અંગે ટાઈમે કહ્યું કે આ ગ્રુપ ભારતની સૌથી જૂની કંપનીઓમાંથી એક છે. તેનો પોર્ટફોલિયો સ્ટીલ, સોફ્ટવેર, ઘડિયાળો, સબમરીન કેબલ અને રસાયણોથી માંડીને મીઠું, અનાજ, એર કંડિશનર, ફેશન અને હોટલ સુધી વિસ્તરેલો છે. જૂથ ટેક મેન્યુફેક્ચરિંગ, AI અને સેમિકન્ડક્ટર ચિપ્સમાં રોકાણ કરીને ટેક કંપની બની રહ્યું છે. વર્ષ 2023 માં, તે iPhone એસેમ્બલ કરનાર પ્રથમ ભારતીય કંપની બની

(9:13 PM IST)