તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
પીએમ મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર : 75 દિવસ, 206 રેલીઓ: પ્રચંડ ગરમીમાં તોડ્યો પોતાનો જ રેકોર્ડ
ઉત્તરપ્રદેશમાં 31, બિહારમાં 20, મહારાષ્ટ્રમાં 19 અને પશ્ચિમ બંગાળમાં 18 રેલીઓ કરી: ભીષણ ગરમીમાં સૌથી વધુ પ્રચાર કર્યો :દેશભરમાં 96 રેલીઓ, ઈવેન્ટ અને રોડ શો એકલા મે મહિનામાં જ કર્યાં

નવી દિલ્હી : એપ્રિલ-મેની ભીષણ ગરમી અને ચૂંટણી ઉત્સવ વચ્ચે વડાપ્રધાન મોદી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા તેમણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. આ વખતે વડાપ્રધાન મોદીએ 206 રેલીઓ, ઈવેન્ટ અને રોડ શો કર્યા અને લગભગ 80 ઈન્ટરવ્યૂઝ આપ્યા હતા, 16 માર્ચે જાહેર ચૂંટણી કાર્યક્રમ બાદથી 75 દિવસ સુધી ચાલેલી લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન આજે ખતમ થઈ ગયો છે. સાતમા તબક્કા માટે શનિવારે 1લી જૂને મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.
આ ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ રેકોર્ડબ્રેક પ્રચાર કર્યો. વડાપ્રધાન મોદીએ 206 રેલીઓ, ઈવેન્ટ અને રોડ શો કર્યા, જે એક રેકોર્ડ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 142 રેલીઓ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલ્સને 80 ઈન્ટરવ્યૂઝ પણ આપ્યા. વડાપ્રધાન મોદીએ જે રીતે ચૂંટણી પ્રચાર કર્યો, તેનાથી અંદાજ લગાવી શકાય કે ગત દિવસોમાં વડાપ્રધાન મોદીનું શિડ્યૂલ કેટલું બિઝી છે. આમ તો દેશભરમાં ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કસર નથી છોડી. પરંતુ વડાપ્રધાન મોદીની રેલીઓમાં જોરદાર ભીડ જોવા મળી.
વડાપ્રધાન મોદીએ ચાર રાજ્યો પર સૌથી વધુ ફોકસ કર્યું. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રેલીઓ કરી. તેમણે ઉત્તરપ્રદેશમાં 31, બિહારમાં 20, મહારાષ્ટ્રમાં 19 અને પશ્ચિમ બંગાળમાં 18 રેલીઓ કરી. આ રાજ્યોની લોકસભાની 210 એટલે કે લગભગ 40 ટકા સીટ છે. મેની ભીષણ ગરમીમાં વડાપ્રધાને સૌથી વધુ પ્રચાર કર્યો. દેશભરમાં 96 રેલીઓ, ઈવેન્ટ અને રોડ શો એકલા મે મહિનામાં જ કર્યાં.
આંધ્રપ્રદેશના પાલનાડુથી ચૂંટણી પ્રચારનો શુભારંભ કરનારા વડાપ્રધાન મોદીએ આ અભિયાનનું સમાપન 30 મેનાં રોજ પંજાબના હોશિયારપુરમાં કર્યું. એટલે કે 75 દિવસના આ સમયગાળામાં વડાપ્રધાન મોદીએ 180 રેલીઓ અને રોડ શો કર્યાં. વડાપ્રધાન મોદીની રેલીઓની સાથે તેમના રોડ શો અને અન્ય કાર્યક્રમોમાં સામેલ થનારા આંકડા જોઈએ તો આ સંખ્યા 206 છે. એટલે કે સરેરાશ દરરોજ વડાપ્રધાન મોદીએ 2થી વધુ રેલીઓ અને રોડ શોની સાથે અન્ય કાર્યક્રમમાં ભાગ લીધો. તો વડાપ્રધાન મોદીએ માર્ચમાં ચૂંટણી જાહેરાત પહેલા ફેબ્રુઆરી અને માર્ચની 15 તારીખથી 15 રેલીઓ કરી હતી.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 1લી જૂને થશે. આ પહેલાં ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચાર અભિયાન સમાપન થઈ ગયું જે બાદ PM મોદી કન્યાકુમારી પહોંચ્યા. નક્કી કાર્યક્રમ મુજબ ત્યાં વડાપ્રધાન મોદી વિવેકાનંદ રૉક મેમોરિયલ જશે, જ્યાં 30 મે અને 1લી જૂન સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન ધરશે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
