તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 31st May 2024
ઉત્તર કોરિયાએ ધડાધડ 10 બેલેસ્ટિક મિસાઇલો છોડી, જાપાન અને દક્ષિણ કોરિયામાં ભારે ફફડાટ : અમેરિકા થયું કાળઝાળ
યુએસ સૈન્યના ઈન્ડો-પેસિફિક કમાન્ડે પણ ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણની નિંદા કરી

ઉત્તર કોરિયાએ આજે જાપાનના સમુદ્રમાં પૂર્વ કિનારા તરફ એક પછી એક કુલ 10 બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. જેના કારણે પૂર્વ એશિયામાં ફરી તણાવ વધી ગયો છે.
થોડા દિવસ પહેલા જ ઉન્મત્ત સરમુખત્યાર કિમ જોંગના શાસન હેઠળના ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા તરફ કચરો ભરેલા ઘણા બધા ફુગ્ગા મોકલ્યા હતા. હવે જાપાનના સમુદ્રને નિશાન બનાવીને 10 શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે.
જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ મિસાઈલ પ્રક્ષેપણની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ટૂંકા અંતરના શસ્ત્રો પ્યોંગયાંગના સુનાન ક્ષેત્રમાંથી છોડવામાં આવ્યા હતા, જે જાપાનથી લગભગ 350 કિલોમીટર (215 માઈલ) દૂર સમુદ્રમાં પડ્યા હતા. દક્ષિણ કોરિયાની સેનાએ એક નિવેદન જારી કરીને આ પ્રક્ષેપણની નિંદા કરી છે. સેનાએ કહ્યું છે કે દક્ષિણ કોરિયાની રાજધાની અને ઘણા મહત્વપૂર્ણ સૈન્ય મથકો ઉત્તર કોરિયાની મિસાઇલોના પ્રભાવમાં આવી ગયા છે. આ સાથે દક્ષિણ કોરિયાએ "કોઈપણ ઉશ્કેરણીનો સખત જવાબ" આપવાની પ્રતિજ્ઞા લીધી છે.
બીજી તરફ, જાપાને પણ આ લોન્ચનો "ઉગ્ર વિરોધ" કર્યો છે. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે તેમની સરકાર પૂર્વ એશિયામાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે મળીને કામ કરી રહી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કોઈપણ મિસાઈલ જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની અંદર પડી નથી, જે તેના દરિયાકિનારાથી 200 નોટિકલ માઈલ (370 કિમી) સુધી વિસ્તરે છે.
યુએસ સૈન્યના ઈન્ડો-પેસિફિક કમાન્ડે પણ ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણની નિંદા કરી છે અને ઉત્તર કોરિયાને ચેતવણી આપી છે કે તે કોઈપણ વધુ ગેરકાયદેસર અને અસ્થિર ક્રિયાઓથી દૂર રહે. અમેરિકી સેનાએ કહ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે તે રિપબ્લિક ઓફ કોરિયા અને જાપાનના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ ગુરુવારે સવારે લગભગ 6.14 કલાકે પ્યોંગયાંગના સુનાન વિસ્તારમાંથી એક પછી એક કુલ 10 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. આ મિસાઇલો જાપાનના સમુદ્રમાં પડતા પહેલા લગભગ 350 કિલોમીટર સુધી ઉડી હતી. ઉત્તર કોરિયાની આ કાર્યવાહી બાદ દક્ષિણ કોરિયા અને જાપાને વિસ્તારની દેખરેખ વધારી દીધી છે. અમેરિકા પણ તેમને સહકાર આપી રહ્યું છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
