તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
સિક્કિમમાં ભાજપનો સંપૂર્ણ સફાયો: ભૂંડે હાલ હાર્યા: ૩૨ માંથી ૩૧ બેઠકો લડેલા પરંતુ એક પણ બેઠક મળી નહીં: ગયા વખતે ૧૨ બેઠકો મેળવેલ: આ વખતે લગભગ તમામની ડિપોઝિટ ગઈ: ભાજપના અધ્યક્ષ પણ હારી ગયા

ગંગટોક: ભારતીય જનતા પાર્ટી સિક્કિમમાં ૩૧ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી શકી ન હતી, મોટાભાગની બેઠકો ઉપર ડિપોઝિટ ગુમાવી છે. ગત વિધાનસભામાં તેમના ૧૨ સભ્યો હતા.
સિક્કિમ વિધાનસભાના પરિણામોમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ ૩૨ માંથી ૩૧ બેઠકો ઉપર વિજય સાથે પ્રચંડ જીત મેળવીને સત્તા જાળવી રાખી છે.
આ હિમાલયન રાજ્યમાં ભાજપને માત્ર ૫.૧૮ ટકા વોટ મળવા સાથે સંપૂર્ણ સફાયો થયો છે.
હાલના શાસક એસકેએમ મોરચાને ૫૮.૩૮ ટકા વોટ મળ્યા, જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને ૨૭.૩૭ ટકા વોટ સાથે માત્ર એક બેઠક મળી છે.
સિક્કિમ ભાજપના અધ્યક્ષ દિલી રામ થાપા અપર બર્તુક વિધાનસભા મતવિસ્તારમાં શાસક એસકેએમ મોરચાના ઉમેદવાર કાલા રાય સામે હારી ગયા. થાપા, વર્તમાન ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી, રાય સામે ૨૯૬૮ મતોથી હારી ગયા. રાયને ૬૭૨૩ વોટ મળ્યા જ્યારે થાપાને ૩૭૫૫ વોટ મળ્યા. અહી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ - એસડીએફના ડીબી થાપાને ૧૬૨૩ વોટ મળ્યા, જ્યારે બીકે તમાંગ (સીએપી-એ)ને ૫૮૧ વોટ મળ્યા.
ભાજપે લચેન મંગન બેઠક સિવાયની બધી જ ૩૧ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળના સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ) સાથે જોડાણ તોડીને ભાજપે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
માનભરી સંખ્યામાં બેઠકો આપવાની ભારતીય જનતા પક્ષના મોવડીઓની માંગને સંતોષવામાં એસકેએમ મોરચાના નેતાઓની અનિચ્છાને કારણે સીટ-વહેંચણીની વાટાઘાટો તૂટી ગયેલ જેના પગલે ભાજપે એકલા હાથે સિક્કિમ વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
આ પહેલાની સિક્કિમ વિધાનસભામાં બીજેપી પાસે ૧૨ ધારાસભ્યો હતા, જેમાંથી દસ ધારાસભ્યો તો વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)માંથી પક્ષપલટો કરીને આવેલા હતા, જ્યારે અન્ય ૨ એસકેએમ મોરચા સાથે જોડાણ કરીને ઓક્ટોબર ૨૦૧૯ની વિધાનસભા પેટાચૂંટણીમાં જીત્યા હતા.
આ ૧૨ ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોએ ભાજપ પાર્ટી છોડી દીધી છે, જેમાંથી ત્રણ શાસક એસકેએમ મોરચામાં જોડાયા છે અને એસકેએમના ચૂંટણી નિશાન ઉપર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપના બાકીના સાત ધારાસભ્યોમાંથી માત્ર બેને જ વિધાનસભાની ચૂંટણી લડવા ટિકિટ આપવામાં આવી હતી.
૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી સુધી સિક્કિમમાં ભાજપનો ચૂંટણી ટ્રેક રેકોર્ડ ખૂબ જ નબળો રહ્યો છે. ભાજપે ૧૯૯૪માં સિક્કિમના ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેણે ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ત્રણેય બેઠકો પર તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
