<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શું ભારત કરતા દુબઇમાં સોનું સસ્‍તુ છે? કેટલું સોનું લાવી શકાય?

નવી દિલ્‍હી,તા. ૩: આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના કારણે દેશમાં પણ સોનાના ભાવ આસમાને પહોંચ્‍યા છે. સોનાની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે તે સામાન્‍ય માણસની પહોંચની બહાર થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જયાં સોનું ઘણું સસ્‍તું છે? અમે તમને આ દેશ વિશે જણાવીશું.

તમે જાણો છો કે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) એ એક મુસ્‍લિમ દેશ છે. યુએઇના દુબઇમાં સોનું ભારત કરતા ઘણું સસ્‍તું છે. આ આયાત ડ્‍યુટીને કારણે છે. અહીં સસ્‍તા ભાવે તો સોનું મળે જ છે. ઉપરાંત ગોલ્‍ડની ગુણવત્તાની પણ ખાતરી હોય છે. (દુબઇમાં લોકો સાથે બનાવટ કરનારાઓને ભારે સજા કરવામાં આવે છે) ભારતમાં જયાં સોનાની આયાત પર ડ્‍યુટી ભરવી પડે છે. તે જ સમયે,  દુબઈમાં સોના પર કોઈ આયાત ડ્‍યુટી નથી. તેથી જ જયારે પણ કોઈ સંબંધી કે મિત્ર  દુબઈ જાય છે ત્‍યારે લોકો તેમની પાસે ત્‍યાંથી સોનું મંગાવતા હોય છે. જોકે, તમે દુબઈથી મનફાવે તેટલું સોનું ખરીદીને લાવી શકતા નથી. દુબઇથી સોનું લાવવાના કેટલાક નિયમો છે.

એ સાચી વાત છે કે  દુબઈમાં સોનું સસ્‍તું છે. ભારત કરતાં દુબઈમાં સોનું સસ્‍તું છે. દા. ત. આજનો જ ભાવ લઇએ તો દુબઈમાં સોનાની કિંમત પ્રતિ ગ્રામ ૨૬૩.૨૫ દિરહામ છે, જેની ભારતીય ચલણમાં કિંમત ૫,૯૬૯ રૂપિયા થાય છે. તે જ સમયે, ભારતમાં એક ગ્રામ ૨૨ કેરેટ સોનાની કિંમત ૬,૬૭૦ રૂપિયા છે.

નિયમો અનુસાર, એક ભારતીય પ્રવાસી કે જે એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહે છે, તેને ૨૦ ગ્રામ સુધીની  જવેલરી ડ્‍યૂટી ફ્રી લાવવાની છૂટ છે. મહિલાઓ માટે ૪૦ ગ્રામ સુધીની ગોલ્‍ડ  જવેલરી લાવવાની છૂટ છે. જો ભારત આવતા પ્રવાસીઓ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનાના દાગીના લઈ જાય છે, તો તેમણે સોના પર કેટલીક કસ્‍ટમ ડ્‍યુટી ચૂકવવી પડે છે. આ સિવાય જે બાળકો એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહ્યા છે તેઓ દુબઈમાંથી સોનાના દાગીના ટેક્‍સ ફ્રી લઈ આવી શકે છે. જોકે, તેઓ સોનાના સિક્કા, બાર કે બિસ્‍કિટ લઈ જઈ શકતા નથી.

દુબઈથી ભારતમાં સોનું લાવતા ભારતીય પ્રવાસીઓએ નોંધ લેવી જોઈએ કે ડ્‍યુટી ફ્રી ભથ્‍થું માત્ર સોનાના દાગીના પર જ લાગુ પડે છે. સોનાની લગડીઓ, સિક્કાઓ અને અન્‍ય ઝવેરાત માટે કસ્‍ટમ ડ્‍યુટી આયાત કરાયેલા જથ્‍થાના આધારે નક્કી કરવામાં આવે છે. દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે, જે કસ્‍ટમ ડ્‍યુટી તરીકે ચૂકવવી પડશે. અહીં તમે જોઈ શકો છો કે કેટલા ગ્રામ સોના માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે.

૧ કિલોથી ઓછા વજનના સોનાના બાર પર ૧૦% કસ્‍ટમ ડ્‍યુટી ભરવી પડે છે.

૨૦ ગ્રામથી ૧૦૦ ગ્રામ વજનની સોનાની લગડીઓ પર ૩% કસ્‍ટમ ડ્‍યુટી છે.

૨૦ ગ્રામથી ઓછા વજનની સોનાની લગડીઓ પર કોઈ કસ્‍ટમ ડ્‍યુટી નથી

૨૦ ગ્રામથી ૧૦૦ ગ્રામ વજનના સોનાના સિક્કા પર ૧૦% ડ્‍યૂટી છે.

૨૦ ગ્રામથી ઓછા વજનના સોનાના સિક્કા પર કોઈ કસ્‍ટમ ડ્‍યુટી નથી

જો જવેલરીનું વજન ૨૦ ગ્રામથી વધુ ન હોય તો તેના પર કોઈ કસ્‍ટમ ડ્‍યૂટી લાગતી નથી.

(10:01 AM IST)