<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

દૂધ બાદ હવે ઘી - ચીઝ - પનીર - મિઠાઇ વગેરે મોંઘા થશે

અમૂલે દૂધના ભાવ વધાર્યા બાદ હવે ટુંક સમયમાં ખાનગી ડેરીઓ પણ ભાવ વધારશે : ચાના ‘રસિયા'ઓને ચુસ્‍કી મોંઘી પડશે : દૂધના ભાવ વધારાએ સામાન્‍ય માણસનું ઘરનું બજેટ બગાડયું

નવી દિલ્‍હી તા. ૩ : ચૂંટણીના પરિણામ પૂર્વે જ દેશની સૌથી મોટી, અમૂલ ડેરીએ વિવિધ કેટેગરીના દૂધના ભાવમાં લીટરે રૂા. ૨નો વધારો જાહેર કરતા હવે ટુંક સમયમાં ખાનગી ડેરીઓ પણ ભાવ વધારવા સજ્જ થઇ છે. દૂધ મોંઘુ થતાં દૂધમાંથી બનતી અન્‍ય ચીજો જેમ કે બટર - ચીઝ - ઘી - મીઠાઇ આઇસ્‍ક્રીમ - પનીર વગેરેના ભાવ વધશે એ નક્કી છે. એટલું જ નહિ અન્‍ય રસિયાઓએ પણ કટીંગ ચા-અડધી ચાના વધુ પૈસા આપવા પડશે. દૂધના ભાવ વધારાએ મોંઘવારીનો બોંબ ફોડયો છે. સામાન્‍ય માણસનું ઘરનું બજેટ વેર-વિખેર થઇ જશે એ નક્કી છે.

ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ અમૂલે દૂધના ભાવ વધારી દીધા છે. અમૂલે ગોલ્‍ડ, શકિત - ગાય - તાજા દૂધના ભાવમાં આજથી અમલી બને એ રીતે લીટરે રૂા. ૨ વધારો દીધા છે. મોંઘા દૂધની અસર માત્ર દૂધ પૂરતી જ સીમીત નથી પણ આનુસંગીગ ચીજો ઘી, પનીર, મીઠાઇ, લસ્‍સી, દહીં, શિખંડ, આઇસ્‍ક્રીમ વગેરે પણ ટુંક સમયમાં મોંઘા થશે એ નક્કી છે.

દૂધ મોંઘુ થતાં હવે ઘી જબરજસ્‍ત મોંઘુ થશે. સારા ઘીનો ભાવ ૮૦૦થી ૯૦૦ થઇ જશે એ નક્કી છે. પનીર - ચીઝ - બટર પણ મોંઘા થશે એ નક્કી છે.

બાળકોથી લઇને વડીલો સુધી દરેક માટે દૂધને ખૂબ જ પૌષ્‍ટિક આહાર તરીકે જોવામાં આવે છે. દરેક ઘરમાં દૂધનું સેવન કરવામાં આવે છે. પરંતુ દૂધના ભાવમાં ભારે વધારા બાદ સામાન્‍ય લોકોની મુશ્‍કેલીઓ વધી છે. માતા-પિતાએ તેમના બાળકોને દૂધ આપવા માટે અન્‍ય જરૂરી વસ્‍તુઓ પર ખર્ચમાં ઘટાડો કરવો પડશે. લીલોતરી, શાકભાજી અને ફળો મોંઘા થયા છે, હવે મોંઘા દૂધ લોકોના ઘરનું બજેટ બગાડી રહ્યું છે.

(10:49 AM IST)