<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગેમઝોન - રિક્રિએશન સેન્‍ટરો માટે આવે છે નવો કાયદો

ગેમઝોન - રિક્રિએશન સેન્‍ટરોને મૂકાશે નવી કેટેગરીમાં : નવો કાયદો વધુ કડક - આકરો હશે : ફાયર NOCને લગતી હાલની જોગવાઇઓમાં મોટા ફેરફારો થશે : NOCનું રિન્‍યુઅલ ફરજીયાત બનશે : ‘સાહેબો'ની જવાબદારી ફિકસ થશે

નવી દિલ્‍હી તા. ૩ : રાજયભરના ગેમઝોન અને રિક્રિએશન સેન્‍ટરોને ટૂંક સમયમાં જ એક સ્‍પેશિયલ કેટેગરી હેઠળ મૂકાશે, કેમ કે રાજય સરકાર તેઓ માટે નવો કાયદો ઘડી રહી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજય સરકાર ટૂંક સમયમાં જ ગુજરાત કોમ્‍પ્રિહેન્‍સિવ જનરલ ડેવલપમેન્‍ટ રેગ્‍યુલેશન (જીડીસીઆર)માં સુધારો કરશે અને તમામ ગેમઝોન અને રિક્રિએશન સેન્‍ટરોને સ્‍પેશિયલ કેટેગરીમાં મૂકશે. તેઓ માટે અલગ કાયદો અમલમાં આવશે, જે ખૂબ કડક અને આકરો હશે. તદઉપરાંત  સરકાર ફાયર એનઓસીને લગતા હાલના કાયદામાં પણ મોટા ફેરફાર કરશે.

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજય સરકાર જીડીસીઆરમાં સુધારો લાવશે ટૂંક સમયમાં જ તે અંગેની જાહેરાત કરશે. રાજય સરકારના એક સિનિયર ઓફિસરે કહ્યું છે કે, ગેમઝોન અને રિક્રિએશન સેન્‍ટરો માટે મંજૂરી લેવી ફરજિયાત બનાવાશે. ૨૦૧૪માં અમલમાં આવેલા જીડીસીઆરમાં આવા તમામ સેન્‍ટરોને સ્‍પેશિયલ રિક્રિએશન ઝોન તરીકે આવરી લેવાશે. હાલમાં તમામ મોટા શહેરોમાં આવેલાં મોલમાં બિલાડીના ટોપની જેમ આવા સેન્‍ટરો ફૂટી નીકળ્‍યા છે. હાલના કાયદા અનુસાર મોલમાં શરૂ થયેલા ગેમઝોન અને રિક્રિએશન સેન્‍ટરો માટે અલગથી મંજૂરી લેવાની જરૂર રહેતી નથી.

સરકાર દ્વારા સૂચિત નવા કાયદા અનુસાર તમામ પ્રકારના ફનઝોન, ગેમઝોન અને રિક્રિએશન સેન્‍ટરોને અલગથી બીયુ પરમિશન અને ફાયર એનઓસી લેવાની રહેશે. રાજયભરમાં તમામ સેન્‍ટરો અને ગેમઝોનનો એક સર્વે હાથ ધરાશે અને તેઓની સામે બંધ કરી દેવા સુધીના પગલાં લેવાશે. ફાયર એનઓસી અંગે સંબંધિત શહેરના ચીફ ફાયર ઓફિસરને મંજૂરી આપવાની સત્તા આપવામાં આવશે. હાલ સ્‍ટેશન ફાયર ઓફિસર એનઓસી આપે છે. નવા કાયદા મુજબ સ્‍ટેશન ફાયર ઓફિસર પહેલાં તમામ પ્રકારનું ઇન્‍સપેક્‍શન અને ચેકિંગ કરશે અને પોતાનો રિપોર્ટ ચીફ ફાયર ઓફિસરને સોંપશે. આ રિપોર્ટના આધારે ચીફ ફાયર ઓફિસર ચેકિંગ માટે ફરજિયાતપણે સ્‍થળની મુલાકાત લેશે અને ત્‍યારબાદ તેનો નિર્ણય લેવાનો રહેશે.

અધિકારીએ જણાવ્‍યું હતું કે આવા બાંધકામોનું નિયમિત નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. CFO અને તેમની ટીમે સમયાંતરે સરકાર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ નિયમિત ફાયર સેફટીની તપાસ કરવી પડશે.

હાલના નિયમો અનુસાર, એકવાર ફાયર એનઓસી આપવામાં આવ્‍યા પછી ત્‍યાં કોઈ વધુ તપાસ કરવામાં આવતી નથી, અને લાઇસન્‍સ રિન્‍યુઅલની ખાતરી કરવા માટે કોઈ સિસ્‍ટમ નથી.

નવા ડ્રાફટ દરખાસ્‍તમાં, જો ફાયર એનઓસી રિન્‍યુ ન થાય તો આવા ઝોનના માલિકોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. ‘હાલમાં, ફાયર રિન્‍યૂઅલ માટે ઓનલાઈન અરજીઓની સિસ્‍ટમ છે પરંતુ થોડા રિન્‍યુઅલ થાય છે. હવે કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ફાયર સ્‍ટેશન પર નવીકરણ અરજીઓ માટેની દરખાસ્‍ત વિચારણા હેઠળ છે,' તેમ એક અધિકારીએ જણાવ્‍યું હતું.(૨૧.૬)

 

 

રવિના ટંડન સાથે મુંબઈમાં મારામારી : ડ્રાઈવરે લોકોને ઠોકર મારતા ટોળાનો હુમલો

રવિના ટંડનના ડ્રાઈવરે કોઈ પરિવારની ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી જેના કારણે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને હુમલો કર્યો : રવિના ટંડન પણ શરાબના નશામાં હતી અને તેણે એક મહિલા પર હુમલો કર્યો હતો

મુંબઇ,તા. ૩: એક જમાનામાં ‘મસ્‍ત મસ્‍ત ગર્લ' તરીકે ઓળખાયેલી બોલિવૂડની એક્‍ટ્રેસ રવિના ટંડન સાથે મુંબઈના બાંદ્રા એરિયામાં મારામારીની ઘટના બની છે. રવિના ટંડનના ડ્રાઈવરે કોઈ પરિવારની ત્રણ મહિલાઓને ટક્કર મારી હતી જેના કારણે લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા જેમાં રવિના ટંડન પર પણ હુમલો થયો હોવાનું કહેવાય છે. અત્‍યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે આ રસ્‍તા પર વાહનની ટક્કરના કારણે થયેલો ડખો લાગે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે રવિના ટંડનના ડ્રાઈવરે એક પરિવારના ત્રણ સભ્‍યોને વાહનની ઠોકર મારતા તેમને ઈજા થઈ હતી પછી લોકોનું ટોળું દોડી આવ્‍યું હતું જેમાં રવિના ઉપર પણ હુમલો થયો હતો.

આ મામલે એવી ફરિયાદ પણ થઈ છે કે ઘટના બની ત્‍યારે રવિના ટંડન પણ શરાબના નશામાં હતી અને તેણે એક મહિલા પર હુમલો કર્યો હતો. એક વીડિયોમાં જોઈ શકાય છે કે રવિના ટંડન એક ટોળાને વિનંતી કરી રહી છે કે કોઈને મારો નહીં. તે ટોળાને એવું કહેતી સંભળાય છે કે હું જાણું છું કે તેને લોહી વહે છે. મારા ડ્રાઈવરને ટચ ન કરો. હું રિક્‍વેસ્‍ટ કરું છું. પ્‍લીઝ આવું ન કરો.

રવિના ટંડન પોતાના ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કરતી હતી ત્‍યારે ટોળું વારંવાર રવિના અને તેના ડ્રાઈવર પર હુમલો કરતું હોય તેવું જોવા મળે છે. ટોળામાંથી એક વ્‍યક્‍તિ સવાલ કરે છે કે તમારો ડ્રાઈવર શા માટે ભાગી ગયો? તેણે મારા ઉપર હુમલો કર્યો છે. મારા નાકમાંથી લોહી વહી રહ્યું છે. તમારા ડ્રાઈવરને અમારી સામે લાવો.

આ કેસમાં ફરિયાદીનું નામ મોહમ્‍મદ છે અને તે બાંદ્રા એરિયામાં રહે છે. તેણે આરોપ મૂક્‍યો છે કે રવિના ટંડન શરાબના નશામાં હતી અને તેણે એક મહિલાને ગાળો આપી હતી અને તેના પર હુમલો કર્યો હતો. તેનો દાવો છે કે હું ખાર પોલીસ સ્‍ટેશને ફરિયાદ લખાવવા ગયો પરંતુ પોલીસે રવિના ટંડન સામે ફરિયાદ લખવાની ના પાડી દીધી હતી.

પોલીસનું કહેવું છે કે શનિવારે મોડી રાતે બાંદ્રા વેસ્‍ટમાં કાર્ટર રોડ પર રિઝવી કોલેજ પાસે આ ઘટના બની હતી. રવિના ટંડનની કારે ત્રણ મહિલાને ટક્કર મારી હતી જેમાં એક મહિલા, તેની દીકરી અને તેની ભત્રીજીને ઈજા થઈ હતી. ત્‍યાર બાદ રોડ પર મારામારી શરૂ થઈ ગઈ હતી. રવિનાનો ડ્રાઈવર કારમાંથી નીચે ઉતર્યો અને તેણે મહિલાઓને અપશબ્‍દો બોલવાનું શરૂ કરી દીધું. તેના કારણે એક ટોળું એકઠું થઈ ગયું અને ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્‍યો.

આ દરમિયાન રવિના પણ કારમાંથી નીચે ઉતરી અને તે પોતાના ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કરવા લાગી. ટોળાએ રવિના સાથે પણ બદતમીઝી કરી અને તેના પર હુમલો કર્યો તેના કારણે રવિના પોતાના ડ્રાઈવરનો છોડી દેવા માટે વિનંતી કરતી હતી. જોકે, ટોળાએ રવિના પર હુમલો ચાલુ રાખ્‍યો હતો. હાલમાં ખાર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

(10:28 AM IST)