<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સૌરાષ્‍ટ્રમાં એક સિસ્‍ટમ્‍સના કારણે લોકલ કન્‍વેકશનના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ પડશે

જો કે આગામી અઠવાડિયાથી પ્રિ-મોન્‍સુન એકિટવીટી થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા. ૩ : કેરળમાં ચોમાસાની એન્‍ટ્રી થયા બાદ હવે ચોમાસું ધીમે-ધીમે આગળ વધીને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્‍ટ્રી કરશે. જે રીતે કેરળમાં ચોમાસું વહેલું આવ્‍યું છે તે રીતે ગુજરાતમાં પણ ચોમાસાની એન્‍ટ્રી વહેલી થશે કે કેમ તે અંગે સવાલો લોકોને થઈ રહ્યા છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની એન્‍ટ્રી પહેલા પ્રી-મોન્‍સુન એક્‍ટિવિટી થશે. રાજયમાં બે દિવસથી રાત્રીના સમયે અમુક વિસ્‍તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, જેમાં શનિવારે મહેસાણા અને રવિવારે સુરેન્‍દ્રનગરના અમુક ભાગમાં વરસાદ પડ્‍યો હતો. હવે આજથી શરૂ થયેલા નવા અઠવાડિયા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્ર દ્વારા માહિતી આપવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્‍યુ ચૌહાણે રવિવારે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્‍દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૪૨ અને ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ચાલુ સપ્તાહના મધ્‍ય સુધીમાં તાપમાનમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્‍યુ ચૌહાણે જણાવ્‍યું હતું. જોકે, કેટલાક ભાગોમાં તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ પણ જોવાઈ રહી છે.

હાલ રાજયમાં વરસાદની સંભાવનાઓ નથી, પરંતુ સૌરાષ્ટ્રમાં એક સિસ્‍ટમ બની હોવાના કારણે લોકલ કન્‍વેક્‍શનના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે, જોકે, આગામી અઠવાડિયાથી રાજયમાં પ્રી-મોન્‍સુન એક્‍ટિવિટી થવાની શક્‍યતાઓ પણ વ્‍યક્‍ત કરાઈ છે.

પ્રી-મોન્‍સુન એક્‍ટિવિટી દરમિયાન રાજયમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હવાની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે. જેમાં રાજયમાં આજે પવનની ગતિ ૨૦-૨૫ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે.

૪ જૂનથી પવનની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ છે, જેમાં પવનની ગતિ ૩૦થી ૩૫ કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. ચોમાસા દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્‍યતાઓ હવામાન વિભાગે વ્‍યક્‍ત કરી છે.

પાછલા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું વધારે સારું રહેવાની શક્‍યતાઓ છે, આ સાથે હવામાન વિભાગે ગુજરાતના અન્‍ય ભાગો કરતા સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્‍યક્‍ત કરી છે.

(11:18 AM IST)