<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શું રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી શકશે? એક્ઝિટ પોલ શું કહે છે?

ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર મોદી સરકાર બનાવના અનુમાન વચ્ચે રાહુલ ગાંધીની આ બંને સીટ પર રહેશે નજર

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામની નજર પરિણામો પર ટકેલી છે. આ દરમિયાન તમામ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. જોકે, સત્તાવાર પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર મોદી સરકારની રચના થવાની આશા છે

  . ચૂંટણી પરિણામોની સાથે જ દરેકની નજર દેશની તમામ હોટ સીટ પર પણ છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રાયબરેલી સીટ પણ સામેલ છે. આ વખતે કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને 2 બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ કેરળની વાયનાડ સીટ તેમજ ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડતા હતા. પરંતુ 2024ની સામાન્ય ચૂંટણીમાં તેમણે આ સીટ રાહુલ ગાંધીને આપી દીધી હતી.

   વાયનાડ બેઠકની વાત કરીએ તો સીપીઆઈના એની રાજા, કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના કે. સુરેન્દ્રન વચ્ચે સ્પર્ધા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતી શકે છે. સીપીઆઈના એની રાજા અને ભાજપના કે. સુરેન્દ્રન રાહુલથી પાછળ હોય તેવું લાગી રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ વાયનાડમાં CPI ઉમેદવાર પીપી સુનિરને હરાવીને 4.31 લાખ મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.

   જો રાયબરેલી લોકસભા સીટની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં રાહુલ ગાંધીને લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસે રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થયું હતું. રાયબરેલી સીટ માટે નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે અહીંથી રાહુલની ઉમેદવારીની જાહેરાત કરી હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ યુપીમાંથી માત્ર રાયબરેલી લોકસભા સીટ જીતી શકી હતી. 2024ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે યુપીમાં ગાંધી પરિવારનો છેલ્લો કિલ્લો બચાવવાનો પડકાર છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ રાહુલ ગાંધી આ હોટ સીટ પરથી ચૂંટણી જીતી શકે છે. મતલબ કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો મજબૂત કિલ્લો ગણાતી રાયબરેલી લોકસભા સીટ બચાવવામાં રાહુલ સફળ જણાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાયબરેલી તે બેઠક છે, જે 2014ની મોદી લહેરમાં પણ કોંગ્રેસે ગુમાવી ન હતી. એટલું જ નહીં, 2019ની ચૂંટણીમાં પણ જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને યુપીની 80 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર આ બેઠક જીતી શકી હતી. રાયબરેલી એ બેઠક છે જ્યાં કોંગ્રેસના સાંસદો તેના 72 વર્ષના ઈતિહાસમાં 66 વર્ષથી રહ્યા છે. ફિરોઝ ગાંધીએ દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં રાયબરેલીથી ચૂંટણી લડી હતી. રાયબરેલી બેઠક નહેરુ-ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી આ બેઠક પરથી સંસદમાં પહોંચ્યા છે. હવે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે અને આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર છે.

(11:28 AM IST)