News of Monday, 3rd June 2024
પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના વિસ્તારમાં ઉતર્યું ચીની લેન્ડર
પહેલી વાર ધૂળ અને ખડકના સેમ્પલ લાવશે ચાંગઇ-૬ મિશન

બૈજીંગ,તા. ૩: ચીને અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. તેનું ચાંગઇ-૬ લેન્ડર રવિવારે સવારે સફળતાપૂર્વક ચંદ્રના દૂરના એ વિસ્તારમાં ઉતર્યું જે કયારેય પૃથ્વીની સામે નથી આવતો. ચીનના રાષ્ટ્રીય અવકાશ પ્રશાસને જાહેરાત કરી કે ચાંગઇ-૬ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના એટકેન બેઝીનમાં ઉતર્યું. ત્યાં તે ચંદ્રની સપાટીના સેમ્પલ એકઠા કરશે. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રના અત્યંત દૂરના વિસ્તારના સેમ્પલો પૃથ્વી પર લાવવાનો છે.
આ બીજો મોકો છે, જ્યારે ચંદ્રના અત્યંત દૂરના ભાગમાં લેન્ડર ઉતારવામાં આવ્યું છે. પહેલી વાર ૨૦૧૯માં ચીને જ ચાંગઇ-૪ મિશન દ્વારા આ સિધ્ધી મેળવી હતી. જો બધુ સમુસુતરૂ પાર ઉતર્યુ તો ચાંગઇ-૬ મિશન ચીન માટે વધુ એક માઇલ સ્ટોન બનશે. આ મિશન ૩ મેએ શરૂ થયું હતું અને ૨૫ જૂન સુધી ચાલશે.
આ મિશનનું નામ ચીની ચંદ્રમા દેવી ચાંગઇના નામ પર રખાયુ છે. ચીની સરકારી મીડીયા શિનહુઆ અનુસાર, ચાંગઇ-૬, એપોલો બેઝીન નામના ઇમ્પેકટ ક્રેટર પર લેન્ડ થયું હતુ જે ૨૫૦૦ કિલોમીટર વ્યાસવાળા ચંદ્રના દક્ષિણ ધ્રુવના એટકેન બેઝીનમાં છે. લેન્ડીંગ પહેલા મિશનના ઓર્બીટર લેન્ડર, એસેન્ડર અને રી-એન્ટ્રી મોડયુલે ૨૦ દિવસ ચંદ્રની પરિક્રમા કરી હતી.
ચીન આ મિશન દ્વારા ચંદ્રની બે કિલો માટી અને ખડક પૃથ્વી પર લાવશે. ખડક કાઢવા માટે લેન્ડર ડ્રીલ અને હાથનો ઉપયોગ કરશે. તે ચંદ્રના દૂરના વિસ્તારમાં બે દિવસ વિતાવશે. ભેગા કરેલ સેમ્પલને વેકયુમ કન્ટેનરમાં મોકલવામાં આવશે, જે ચંદ્રની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. કન્ટેનરને રી એન્ટ્રી કેપ્સ્યુલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે ૨૫ જૂન આસપાસ ચીનના મોંગોલીયાના રણમાં ઉતરશે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
