<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ચોરી કરવા ઘરમાં ઘુસી ગયો ચોર

એસી, પંખો ચાલુ કરીને સુઇ ગયો, ઉંઘમાંથી જાગે તે પહેલા પહોંચી ગઇ પોલીસ

લખનૌ : યુપીની રાજધાની લખનોૈમાં એક ગજબની ઘટના સામે આવી છે. ઇંદિરાનગર સેકટર ૨૦માં ડો.સુનિલ પાંડેના ઘરમાં રવિવારે સવારે તાળુ તોડીને ઘુસેલો  ચોર વાસણ સહિતનો સામાન ભેગો કરીને એક કોથળામાં ભર્યો. પછી તે એસી અને પંખો ચાલુ કરીને ત્યાંજ સુઇ ગયો. પાડોશીઓએ જાણ કરતા સવારે ૯ વાગ્યે પોલીસ અને ડોકટર ત્યાં પહોંચ્યા અને ચોરને રંગેહાથ ઝડપી લીધો.

ડોકટર અને પાડોશીઓએ પહેલા તો ચોરની જોરદાર ધોલાઇ કરી. ગાઝીપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વિકાસ રાય અનુસાર, ધરપકડ કરાયેલ ચોર મુસદ્ીપુરનો રહીશ કપિલ કશ્યપ છે. ડો.સુનિલનું આ મકાન બંધ રહે છે. અને તેઓ પોતાના અન્ય મકાનમાં બીજી જગ્યાએ રહે છે. તેઓ કયારેક કયારેક અહીં આવે છે.

સવારે મોકો મળતા તાળુ તોડીને કપિલ ઘરમાં ઘુસ્યો હતો. તેણે ઇન્વર્ટરની બેટરી, ગીઝર, વાસણ અને અન્ય કેટલાક સામાન બે કોથળામાં ભરી લીધો હતો. કોથળામાં સામાન ભર્યા પછી તેણે ત્યાં સીગારેટ પીધી અને પછી ત્યાં જ સુઇ ગયો. સવારે પાડોશીઓએ તાળુ તુટેલું જોયું તો ડોકટરને જાણ કરી. ડોકટરે પોલીસને બોલાવી લીધી. એસીપી જયસ્વાલે જણાવ્યું કે કપિલ વિરૂધ્ધ ચોરીના છ કેસ નોંધાયેલા છે. તે થોડા મહિના પહેલા જ ચોરીના કેસમાં જેલમાંથી છુટયો હતો.

(2:54 PM IST)