<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ટાઉન પ્‍લાનીંગ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના પાછળ મુખ્‍ય જવાબદારઃ વધુ એકની ધરપકડના ભણકારા

૨૭ નિર્દોષ લોકોનો ભોગ લઇ જનારી ગેમ ઝોનની ગોઝારી આગ દૂર્ઘટનામાં રાજકોટ ‘સિટ'ની તપાસમાં નીકળેલુ તારણ : પોલીસ વિભાગને માત્ર ટીકિટ બૂકીંગ માટેનું લાયસન્‍સ જ આપવાનું હોય છેઃ રીન્‍યુમાં પણ કેરેક્‍ટર સર્ટિફિકેટ જ તપાસવાનું હોય છેઃ ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસ ક્રાઇમ બ્રાંચે સીલ કરીઃ જેનાથી આગ લાગી એ વેલ્‍ડીંગ કરવાનું મશીન પણ કબ્‍જે કરાયું

પૂર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાની નાના મવા સર્કલ નજીક ટ્‍વીન ટાવરમાં નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસ ક્રાઇમ બ્રાંચે સીલ કરી છે, કોઇએ સીલ ખોલવું નહિ તેવી સુચના દરવાજા પર ચોંટાડવામાં આવી છે

રાજકોટ તા. ૩: શહેરના નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનની આગ દૂર્ઘટના ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લઇ ગઇ છે. આ ગોઝારા અગ્નિકાંડમાં ગુનો દાખલ થયા બાદ રાજકોટ પોલીસની સિટ ટીમે કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ આગળ વધ્‍યે મહાનગર પાલિકાના વધુ એકની ધરપકડ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આ દૂર્ઘટના પાછળ મનપાના ટાઉન પ્‍લાનીંગ ઓફિસના અને ફાયર બ્રિગેડના અધિકારીઓ જ મુખ્‍ય જવાબદાર હોવાનું તપાસ દરમિયાન તારણ નીકળી રહ્યું છે.

ટીપીઓ એમ. ડી. સાગઠીયા, એટીપીઓ ગોૈતમ જોષી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ ચુકી છે. જ્‍યારે ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાની ઉંડી પુછતાછ ચાલી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ બંને વિભાગોએ નિયમાનુસાર કાર્યવાહી ન કરી ગુનાહિત બેદરકારી દાખવી હતી.  પોલીસ વિભાગના કેટલાક ઇન્‍સ્‍પેક્‍ટરોની પણ સિટ દ્વારા પુછતાછ કરી નિવેદનો નોંધવામાં આવ્‍યા હતાં. આ દરમિયાન આ તમામની જવાબદારી માત્ર ટીકિટ બૂકીંગ માટેનું લાયસન્‍સ ઇશ્‍યુ કરવાની હોવાનું બહાર આવ્‍યું છે. લાયસન્‍સ રીન્‍યુ માટે પણ સંચાલકોના કેરેક્‍ટર સર્ટિફિકેટ કે કોઇ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી નથી ને? એ જ ચકાસવાનું હોય છે. આમ પોલીસનો મુખ્‍ય કોઇ રોલ ફિક્‍સ થાય તેવું હાલ જણાયું નથી. વધુ માહિતી મુજબ વર્ષ ૨૦૨૧માં ધવલ કોર્પોરેશનના નામે તાલુકા પોલીસ મથકમાં ટીકીટ બુકીંગ લાયસન્‍સની મંજુરી માંગવામાં આવી હતી. તે વખતે સ્‍થળ પર કોઇ બાંધકામ ન હતું, માત્ર મેદાન હતું. ખુલ્લી જગ્‍યામાં ગો-કાર્ટીંગ અને ર્પાકિંગ માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે પોલીસે આપી હતી. ત્‍યારબાદ ૨૦૨૩માં લાયસન્‍સ રીન્‍યુઅલ માટે અરજી કરવામાં આવી હતી. રીન્‍યુઅલ માટે અરજી આવે ત્‍યારે અરજી સ્‍થળ પર ભૂતકાળમાં કોઈ અનિચ્‍છનીય ઘટના બની છે કે કેમ, અરજદારનો ગુનાઇત ઇતિહાસ છે કે કેમ તે બાબતોની જ પોલીસે તપાસ કરવાની હોય છે.

 રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ સિટની ટીમના સૂત્રોએ જણાવ્‍યું કે અત્‍યાર સુધીની તપાસમાં આ અગ્નિકાંડ મનપા અને ફાયર બ્રિગેડનાં અધિકારીઓની ગુનાહીત બેદરકારીને કારણે સર્જાયાનું તારણ નીકળ્‍યું છે. એટલું જ નહીં અત્‍યાર સુધીની તપાસમાં પોલીસ, પીજીવીસીએલ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની કોઈ સંડોવણી કે ગુનાઇત બેદરકારી જણાઇ નથી. જો ભવિષ્‍યમાં જણાશે તો ધરપકડ થઇ શકે તેમ છે. મોટા ભાગે ગણતરીના કલાકોમાં ડેપ્‍યુટી ફાયર ઓફિસર બી. જે. ઠેબાને ફરતે ગાળીયો કસાય તેવી ભારે ચર્ચા મનપા વર્તુળો અને પોલીસ વર્તુળોમાં થઇ રહી છે.

પોલીસ તપાસમાં ખુલ્‍યું છે કે ૨૦૨૩ની સાલમાં ૨૦૨૪ માટેનું લાયસન્‍સ રિન્‍યુ કરી આપ્‍યું હતું. તે વખતે પોલીસે ફાયર વિભાગને પત્ર લખી તેને લગતી કામગીરી જોઇ લેવા માટે પણ કહ્યું હતું. આ જ રીતે પીજીવીસીએલે નિયમ મુજબ ભાડા કરાર વગેરે દસ્‍તાવેજો જોઈ વિજ મીટર આપ્‍યું હતું. તે વખતે પીજીવીસીએલે ફાયર એનઓસી વગેરે જોવાના હોતા નથી. માર્ગ- મકાન વિભાગની જવાબદારી માત્ર સરકારી મિલ્‍કતોની સ્‍ટ્રક્‍ચરલ સ્‍ટેબીલીટી ર્ં તપાસવાની હોય છે. ટીઆરપી ગેમ ઝોન ખાનગી મિલ્‍કત હોવાથી તેની સ્‍ટ્રકચરલ સ્‍ટેબીલીટી તપાસવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની ન હોવાથી તેની પણ કોઈ ગુનાઇત બેદરકારી અત્‍યાર સુધી જણાઇ નથી. મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખાએ ૨૦૨૩નાં એપ્રિલ માસમાં ટીઆરપી ગેમ ઝોનનું સ્‍ટ્રક્‍ચર અઠવાડિયામા તોડી પાડવા જીપીએમસી એક્‍ટની કલમ ૨૬૦ (૨) મુજબ નોટિસ આપી હતી. જો કે પછી ગમે તે કારણોસર તેને તોડી પાડયું ન હતું. જો ટીપી શાખા જે તે સમયે જ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડત અને ફાયર વિભાગ એનઓસીને લઇને આકરા પગલાં લેત તો કદાચ જે નિર્દોષ ૨૭ લોકો આગમાં ખાક થઇ ગયા તે ન થયા હોત.

આ કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ રિમાન્‍ડ પરનાં મનપાના પૂર્વ ટીપીએ મનસુખ સાગઠીયાએ હવે એવો બચાવ કર્યો છે કે તેણે તેના વિભાગનાં તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી. પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. સિટનાં સૂત્રોનું કહેવું છે કે જો તાબા હેઠળનાં અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નોટિસ આપ્‍યા પછી પણ ન તોડયું હોય તો વિભાગનાં વડા તરીકે સાગઠીયાની બાંધકામ તોડી પાડવાની જવાબદારી હતી. આ રીતે તાબા હેઠળના અધિકારીઓ પર દોષનો ટોપલો ઓઢાડી સાગઠીયા બચી શકે નહીં. તેની આ ભૂમિકા ધ્‍યાને લઇ ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટના અગ્નિકાંડ મામલે બે પીઆઈ વી.આર. પટેલ અને એન.એ. રાઠોડને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. જ્‍યારે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ઝોન-૨ના ડીસીપી સુધીર દેસાઇની બદલીના હુકમો કરાયા છે. અત્‍યાર સુધીની તપાસમાં પોલીસની કોઈ ગુનાઇત બેદરકારી ગુનાની તપાસ કરતી સિટને જણાઇ નથી.

આ સ્‍થિતિમાં શહેર પોલીસ કમિશનર સહિતના ત્રણ આઈપીએસની કયા કારણથી બદલી કરવામાં આવી અને કયા કારણથી બે પીઆઇને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા તેવા સવાલો પોલીસ બેડામાં ઉઠયા છે. ઘટનાને પગલે લોકરોષ ખાળવા માટે ત્રણ આઈપીએસની બદલી કરાયાનું અને બે પીઆઈને સસ્‍પેન્‍ડ કરાયાની ચર્ચા પણ ભારે પ્રમાણમાં થઇ રહી છે.

પોલીસે આ ગુનામાં ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્‍ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો હતો. આ પછી ક્રાઇમ બ્રાંચે યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (ઉ.વ.૩૦, રહે. ગોપાલનગર શેરી નં.૬, ગોપાલ ચોરા પાસે, શિવાલય બિલ્‍ડીંગ, ફલેટ નં.૨૦૧, ઢેબર રોડ), નિતીન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.૪૧, રહે. જલારામ પ્‍લોટ-૨, ઉમિયા ચોક બંધ શેરી, ઈન્‍દિરા સર્કલ નજીક, મૂળ રાજસ્‍થાન), રાહુલ લલીત રાઠોડ (ઉ.વ.૨૮, રહે. મહાદેવવાડી શેરી નં.૬, લોહાણા મહાજનવાડી પાસે, ગોંડલ) અને  કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (રહે. નાના મવા)ની ધરપકડ કરી હતી.

આ પાંચેયની ધરપકડ કરી રિમાન્‍ડ મેળવાયા બાદ રાજકોટ મનપાના ટાઉન પ્‍લાનર મનસુખ ડી. સાગઠીયા, આસીસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર ગોૈતમ જોષી તથા આસીસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર મુકેશ મકવાણા અને ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ નવેય આરોપીઓ રિમાન્‍ડ પર છે. આગ જેના કારણે લાગી તે વેલ્‍ડીંગ કરવાનું મશીન પોલીસે કબ્‍જે કર્યુ છે. ઉપરાંત ટીપીઓ મનસુખ ધનજીભાઇ સાગઠીયાની નાના મવા રોડ આરકે પ્રામઇ પાસે ટ્‍વીન ટાવર નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસ ક્રાઇમ બ્રાંચે સીલ કરી દીધી છે.

પોલીસ કમિશનર બ્રજેસકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને ટીમોએ તપાસ યથાવત રાખી છે.

(3:21 PM IST)