<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ઈવીએમ સાથે છેડછાડ થાય તો જ ભાજપ ૩૦૦થી વધુ બેઠકો મેળવી શકે

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી ખળભળાટઃકોઈ ભલે ગમે તે કહે, પરંતુ આંકડા આવા નહીં હોય કારણ કે લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે : દિગ્વિજય સિંહ

ભોપાલ, તા.૩

લોકસભાની ચૂંટણીના સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ પોલમાં ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જો કે કોંગ્રેસે આ પોલને ખોટા ગણાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા સામે છે. તેમણે કહ્યું કે, 'ભાજપને બહુમત મળવાનો નથી. કોઈ ભલે ગમે તે કહે, પરંતુ આંકડા આવા નહીં હોય કારણ કે લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે.'

ઈવીએમ અંગે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ જણાવ્યું કે, 'જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવે તો જ ભાજપ લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો મેળવી શકે છે. ભાજપ બહુમતથી દૂર રહેશે અને કોંગ્રેસ ૨૯૫ લોકસભા બેઠક જીતી રહી છે.'

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની મોટી બેઠક યોજાઈ હતી.

બીજી જૂને I.N.D.I.A.ના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે 'લોકસભા ચૂંટણી ૨૦૨૪માં I.N.D.I.A. ગઠબંધન ૨૯૫થી વધુ બેઠક જીતશે.

આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કુલ ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે ૫૪૨ બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ ૩૫૦થી વધુ અને I.N.D.I.Aને ૧૨૫થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(9:46 PM IST)