<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ૧૫ જૂનથી ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા

લોકોને ગરમીથી થશે રાહત : હવામાન વિભાગઃહવામાન વિભાગ (IMD) અનુસાર, ૧૫ જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશી શકે છે

નવી દિલ્હી, તા.૩

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. જોકે આ દરમિયાન હવામાન વિભાગ તરફથી એક સારા સમાચાર આવ્યા છે. આઈએમડીના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ૧૫ જૂનથી ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. મોનસુનના આગમનની સાથે જ ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળવાની શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૩૦ મેના રોજ નિર્ધારિત સમય પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ૧૫ જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પ્રવેશી શકે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં આ દિવસોમાં ખૂબ જ ગરમી છે અને દિવસનું તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આ સપ્તાહ દરમિયાન આકરી ગરમી યથાવત રહેવાની સંભાવના છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસું આવી શકે છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં, ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૧૦ થી ૧૫ જૂનની વચ્ચે છે. આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય પહેલા દેશમાં પ્રવેશ્યું છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસું તેના નિર્ધારિત સમય પહેલા અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે.

( IST)