<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વરરાજાએ કન્‍યાના હાથેથી રસગુલ્લા ન ખાધા એટલે થપ્‍પડ ખાવી પડી

 

નવી દિલ્‍હી, તા.૪: રસગુલ્લા એવી વસ્‍તુ છે જેનું નામ સાંભળીને દરેકના મોઢામાં પાણી આવી જાય છે. જોકે એક માણસને રસગુલ્લામાં રસ ન દેખાડવાને કારણે થપ્‍પડ પડી ગઈ હતી, એ પણ તેનાં લગ્નના દિવસે. સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં વરમાળાવિધિ બાદ સ્‍ટેજ પર કન્‍યાએ વરરાજાને લાફો ઝીંકી દીધો હતો. આ વિડિયોમાં નવદંપતી વરમાળા પહેરીને ઊભેલા જોવા મળે છે. તેમની આજુબાજુ ઘણાં બધાં સગાં ઊભાં છે અને બાળકો મસ્‍તી કરી રહ્યાં છે. આ દરમ્‍યાન કન્‍યા તેના હાથમાં રસગુલ્લા લઈને વરરાજાને ખવડાવવાનો પ્રયાસ કરે છે. જોકે આ ભાઈ પોતાની મસ્‍તીમાં હોવાથી તેમણે રસગુલ્લા કે કન્‍યા પર ધ્‍યાન આપ્‍યું નહોતું. કન્‍યાએ ત્રણ વખત રસગુલ્લા ખવડાવવાનો પ્રયત્‍ન કર્યો, પણ રસગુલ્લા ખાવાને બદલે વરરાજા ત્‍યાંથી ખસી ગયા હતા.

કંટાળેલી કન્‍યા એ પછી અચાનક જ વરરાજાના મોઢામાં રસગુલ્લો નાખી દે છે. આ પછી પણ તેનો ગુસ્‍સો શાંત નથી થતો એટલે તે વરરાજાને જોરથી થપ્‍પડ લગાવી દે છે. એક વ્‍યક્‍તિએ આ વિડિયો જોઈને કમેન્‍ટ કરી કે દુલ્‍હન કહે છે કે રસગુલ્લા નહીં તો થપ્‍પડ ખાઈ લે. બીજી એક વ્‍યક્‍તિએ લખ્‍યું કે આ કન્‍યા જરૂર ટીચર હશે.

(10:25 AM IST)