<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કાશ્‍મીરમાં પરિવર્તનનો પવન ફુંકાયો : લોકસભાની ચૂંટણીમાં ઉમર - મહબુબા પરાજય તરફ

બે પૂર્વ સીએમ હાર ભણી

નવી દિલ્‍હી, તા.૪: જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્‍યા બાદ યોજાયેલી પ્રથમ સંસદીય ચૂંટણીમાં રાજ્‍યનું રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આજે થઈ રહેલી મત ગણતરીમાં રાજ્‍યના બે પૂર્વ મુખ્‍યમંત્રીઓ હાર તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જમ્‍મુ અને કાશ્‍મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર નેશનલ કોન્‍ફરન્‍સના મિયાં અલ્‍તાફ પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્‍યમંત્રી મહેબૂબા મુફ્‌તીથી ૧ લાખ ૭૪ હજાર ૬૬૪ વોટથી આગળ છે. મહેબૂબા માટે આ મોટો ફરક છે.

બીજી તરફ નેશનલ કોન્‍ફરન્‍સના નેતા અને પૂર્વ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા પણ બારામુલા સીટ પર પાછળ જોવા મળી રહ્યા છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અબ્‍દુલ રશીદ શેખ ઉર્ફે એન્‍જિનિયર રશીદ લગભગ ૮૯૦૦૦ મતોથી આગળ છે. દરમિયાન, નેશનલ કોન્‍ફરન્‍સના ઉપાધ્‍યક્ષ ઓમર અબ્‍દુલ્લાએ કહ્યું કે તેઓ બારામુલ્લા લોકસભા બેઠક પરથી જીતવા માટે આશાવાદી છે. અબ્‍દુલ્લાએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, ઉતાર-ચઢાવ આવશે પરંતુ અંતિમ પરિણામો અમારા પક્ષમાં આવશે.ૅ જો કે, ખીણની અન્‍ય બેઠક પરથી શ્રીનગર નેશનલ કોન્‍ફરન્‍સના ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદી પીડીપીના વહિદુર રહેમાન પારા પર ૧.૨૦ લાખ મતોથી આગળ છે.  ચૂંટણી પંચના વલણો અનુસાર, જમ્‍મુ વિભાગની ઉધમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિંહ લગભગ ૫૯,૦૦૦ મતોથી આગળ છે, જ્‍યારે જમ્‍મુના વર્તમાન સાંસદ જુગલ કિશોર શર્મા ૧૦૩,૧૩૬ મતોથી આગળ છે.

કાશ્‍મીરની ત્રણ લોકસભા સીટો પર ૫૦ ટકાથી વધુ મતદાન થયું હતું. ૧૯૮૯માં આતંકવાદ ચરમસીમાએ પહોંચ્‍યો ત્‍યારથી મતદાને રેકોર્ડ તોડ્‍યો હતો. કાશ્‍મીરમાં ત્રણ લોકસભા બેઠકો માટે મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્‍ચે મતગણતરી શરૂ થઈ. ત્રણ મતવિસ્‍તાર શ્રીનગર, બારામુલ્લા અને અનંતનાગ-રાજૌરી માટે સ્‍થાપિત ચાર મતગણતરી કેન્‍દ્રો પર સવારે ૮ વાગ્‍યે મત ગણતરી શરૂ થઈ

(2:48 PM IST)