<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

આંધ્રપ્રદેશમાં સતા પરીવર્તન : ટીડીપી બનાવશે સરકાર

સત્તાધારી પક્ષનો સફાયો : જગત મોહનને ઝટકો

નવી દિલ્‍હી તા. ૪ : આંધ્ર પ્રદેશના વિભાજન બાદ અહીં ૨૦૨૪માં ત્રીજી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની સાથે વિધાનસભા બેઠકોની પણ મતગણતરી ચાલી રહી છે. દક્ષિણના આ રાજયમાં સત્તા પરિવર્તનનું ચિત્ર લગભગ સ્‍પષ્ટ દેખાઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અત્‍યાર સુધીના વલણો અનુસાર, તેલુગુ દેશમ પાર્ટી પોતાના દમ પર બહુમતી કરતા વધુ બેઠકો પર આગળ છે. જો કે, તેણે ભારતીય જનતા પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને રાજયમાં ચૂંટણી લડી છે. જયારે YSR કોંગ્રેસની સ્‍થિતિ ઘણી નબળી છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં વાય. એસ. જગન રેડ્ડીની YSR કોંગ્રેસે મોટી જીત નોંધાવી હતી. તેણે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીમાં તત્‍કાલિન સત્તાધારી પક્ષ ટીડીપીને હરાવ્‍યો હતો. આ વખતે વાયએસઆર કોંગ્રેસને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મોટી હાર મળી શકે છે.

બપોર સુધીના ટ્રેન્‍ડમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી ૧૩૦ સીટો પર આગળ ચાલી રહી છે. જયારે તેના સહયોગી જનસેના પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ૨૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. તેની સામે YSR કોંગ્રેસ માત્ર ૧૮ સીટો પર આગળ ચાલી રહી છે.

૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ ૧૦૨ વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવી હતી. જયારે YSR કોંગ્રેસને ૬૭ બેઠકો મળી હતી. આ સિવાય બીજેપી ત્‍યારે ૪ સીટો જીતવામાં સફળ રહી હતી. આ પછી ૨૦૧૯ની ચૂંટણીમાં YSR કોંગ્રેસે ૧૫૧ સીટો જીતી હતી, જયારે TDPને માત્ર ૨૩ સીટો મળી હતી.

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ૧૭૫ બેઠકો છે, જયારે સરકાર બનાવવા માટે ૮૮ બેઠકોની બહુમતી જરૂરી છે. રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી ચંદ્ર બાબુ નાયડુ કુપ્‍પમથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ લગભગ ૧૧ હજાર મતોથી આગળ છે. જયારે હાલના મુખ્‍યમંત્રી જગન મોહન રેડ્ડી પુલીવેંદલા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. તેઓ લગભગ ૪૭,૦૦૦ મતોથી આગળ છે.

(3:06 PM IST)