<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુજરાતની સ્‍થાપના પછી રાજકોટમાં રૂપાલાને સૌથી વધુ સરસાઇ

ફૈસલા જો કુછ ભી હો મંજુર હોના ચાહીએ, જંગ હો યા ઇશ્‍ક હો, ભરપુર હોના ચાહીએ : મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, ક્ષત્રીય આંદોલન વગેરે મુદ્દા એકબાજુ રાખી મતદારો ભાજપ પર વરસ્‍યા : વિકાસનો મુદ્દો પ્રભાવક

રાજકોટ તા. ૪ : લોકસભાની પ્રતિષ્‍ઠાભરી ચૂંટણીમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીને સજ્જડ હાર આપી ભાજપના ઉમેદવાર કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા જંગી બહુમતીથી વિજેતા થયા છે. બપોરે ત્રણ વાગ્‍યા સુધીમાં તેમની સરસાઇ ૪,૫૨,૫૯૧ થઇ છે. હજુ એકાદ લાખ મત ગણવાના બાકી છે. ગણતરીના અંતે તેમની સરસાઇ પાંચ લાખ આસપાસ પહોંચે તેવી ધારણા છે. રાજકોટના ઇતિહાસમાં સૌથી વધુ મતે લોકસભાની ચૂંટણી જીતવાનું માન રૂપાલાને મળ્‍યું છે. તેમણે પોતાની જીત અંગે આનંદ વ્‍યકત કરી મતદારો, કાર્યકરો સહિત સહયોગી સૌનો આભાર માન્‍યો છે.

રાજકોટમાં સતત ટર્મ મોહનભાઇ કુંડારિયા વિજયી બન્‍યા પછી આ વખતે પાર્ટીએ અમરેલીવાસી શ્રી રૂપાલાને ટીકીટ આપેલ. રાજકોટની બેઠક વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. રૂપાલા તે ગઢ જાળવવામાં સફળ થયા છે. ધારણા કરતા પણ વધુ મત તેમને મળ્‍યા છે. આ લખાય છે ત્‍યારે ત્રણ વાગ્‍યે પરેશ ધાનાણીને ૩,૨૭,૫૩૨ અને રૂપાલાને ૭,૭૫,૦૯૧ મત મળ્‍યા છે. અત્‍યારની સ્‍થિતિએ રૂપાલાની સરસાઇ સાડા ચાર લાખ જેવી થઇ છે.

શ્રી પરસોતમ રૂપાલા ઉમેદવાર જાહેર થયા પછી થોડા દિવસે એક કાર્યક્રમમાં જે બોલેલા તેના કારણે વિવાદ થયેલ અને તેમની સામે ક્ષત્રિય સમાજે જોરશોર આંદોલન ઉપાડયું હતું. રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગણી ભાજપની નેતાગીરીએ ન સ્‍વીકારતા ક્ષત્રીય સંકલન સમિતિએ ગુજરાત વ્‍યાપી વિજય વિરોધી મતદાનનું એલાન કરેલ. ક્ષત્રીય સમાજ દ્વારા ગામેગામ ભાજપ વિરોધી રથ ફેરવવામાં આવ્‍યા હતા. જો કે આ આંદોલનથી રાજકોટની બેઠકના પરિણામમાં કોઇ ફેર પડયો નથી. ઉપરાંત કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, કાયદો-વ્‍યવસ્‍થા જેવા મુદ્દા ઉછાળેલા. મતદારોએ કોંગ્રેસનો પ્રચાર ફગાવી નરેન્‍દ્રભાઇ મોદીના નામ પર ભાજપની વિકાસની રાજનિતીને બહાલી આપી છે.

ભૂતકાળમાં રાજકોટ લોકસભા બેઠકમાં ડો. વલ્લભભાઇ કથીરિયા ૩.૫૪ લાખ મતે જીતેલા, ૨૦૧૯માં મોહનભાઇ ૩.૬૭ લાખ મતે વિજેતા થયા હતા. રૂપાલાએ મોહનભાઇ વખતનો રેકોર્ડ તોડી અત્‍યાર સુધીમાં સૌથી વધુ સાડા ચાર લાખથી વધુ મતથી જીત મેળવી છે.

(3:48 PM IST)