<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસના ‘જાદૂગર'ને મ્‍હાત આપી રૂપાલા કેવી રીતે જીત્‍યા ?

રાજકોટ બેઠક : પરશોત્તમ રૂપાલાની જીતનું પોસ્‍ટમોર્ટમ

રાજકોટ, તા.૪: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામ સામે આવી રહ્યા છે. મતગણતરી ચાલી રહી છે, ત્‍યારે સૌની નજર ગુજરાતની રાજકોટ બેઠક પર હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા લગભગ ચાર લાખથી વધુ મતના માર્જિનથી આગળ છે. બીજી બાજુ, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્‍વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાનો આદેશ શિરોમાન્‍ય છે. ઈમાનદારીથી કોશિશ કરી હતી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલું વિવાદીત નિવેદન સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન વચ્‍ચે ઉમેદવાર બદલવાની માગ કરતું રહ્યું અને ભાજપ રૂપાલાને માફી આપવા અપીલ કરતું રહ્યું. ભાજપના અનેક પ્રયાસો છતાં ક્ષત્રિય સમાજ અડગ જ રહ્યું હતું. મતદાનના દિવસે પણ સૌની નજર રાજકોટ બેઠક પર જ રહી હતી.

રાજકોટમાં ભાજપની જીતના કારણો

* લોકોએ કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું

* ક્ષત્રિય આંદોલનનો મુદ્દો બાઉન્‍સ બેક થયો

* લોકોને લાગ્‍યું કે ત્રણ દાયકાથી ભરોસો મૂકયો છે એ તકલીફમાં એટલે ભાજપને મત આપ્‍યા

* કોળી અને પાટીદારો ભાજપ તરફી રહ્યા

* મોદીના હાથ મજબૂત કરવાની મોદીની અપીલ કામ કરી ગઈ

* મોદીની ગેરંટી પર લોકોએ વિશ્વાસ કર્યો

ક્ષત્રિય સમાજના રોષ વચ્‍ચે રાજકોટ સીટના જ્ઞાતિગત આંકડાઓ સમજીએ. રાજકોટ લોકસભા બેઠક પર લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્‍વ છે. આ બેઠકના જ્ઞાતિગત ગણિતની વાત કરીએ તો, લેઉવા પાટીદાર ૧૬.૭%, કડવા પાટીદાર ૯.૧%, કોળી ૧૪.૯%, મુસ્‍લિમ ૯%, ક્ષત્રિય-રાજપૂત ૬.૭%, દલિત ૭.૪%, બ્રાહ્મણ ૪.૧%, ભરવાડ-રબારી ૪%, અન્‍ય ૨૮.૧% છે.

રાજકોટની ૭ વિધાનસભા

બેઠક કોના કબ્‍જામાં ?

લોકસભા બેઠકની વાત થઇ રહી છે, ત્‍યારે તે બેઠક હેઠળની વિધાનસભાની સીટ પર કોનો કબજો છે તે જાણવું પણ મહત્‍વનું છે. ત્‍યારે રાજકોટની ૭ વિધાનસભાની બેઠક પર નજર કરીએ તો ૭-૭ બેઠક પર ભાજપનું કમળ ખીલ્‍યું હતું. ટંકારા, વાંકનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્‍ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્‍ય, જસદણ પર ભાજપનો કબજો છે.

કેમ આ સીટ ભાજપનો ગઢ?

આ બેઠક પર છેલ્લી ૮ ચૂંટણીમાંથી ૭ વખત ભાજપનો ભગવો લહેરાઇ ચૂકયો છે. માત્ર એક વખત જ કોંગ્રેસને જીત મળી છે. છેલ્લે ૨૦૦૯માં કોંગ્રેસને જીત મળી હતી. જ્‍યારે છેલ્લી લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં મોહન કુંડારિયા ૩,૬૮,૪૦૭ મતની લીડ સાથે વિજેતા થયા હતા. આ આંકડા રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની પકડ અને તેનું ગઢ હોવાને સમર્થન આપી રહ્યા છે. પરંતુ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ મતદાન અને પરિણામને કેવી રીતે પ્રભાવિત કરશે? તેની પર સૌની નજર ટકી હતી.

પરશોત્તમ રૂપાલા વિશે : ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. તેઓ કેન્‍દ્ર અને રાજ્‍યમાં મંત્રી રહી ચૂકયા છે. તેઓ અગાઉ પ્રદેશ ભાજપના પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે. રૂપાલા ત્રણ વખત ધારાસભ્‍ય રહ્યા હતા.

પરેશ ધાનાણી વિશે : કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી લેઉવા પાટીદાર છે. તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકયા છે. તેઓ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. ત્રણ વખત ધારાસભ્‍ય રહી ચૂકેલા ધાનાણી એક વખત રૂપાલાને હરાવી ચૂકયા છે.

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ વચ્‍ચે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્‍યા છે. અગાઉ ધાનાણી ચૂંટણી લડવા અંગે ઇનકાર કરી ચૂકયા હતા, પરંતુ તેમને કોંગ્રેસના વડીલ અને મોભીઓ દ્વારા મનાવવામાં આવતાં છેવટે તેમણે ચૂંટણી મેદાને ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલા પોતાના નિવેદન બદલ સતત માફી માગતા જોવા મળ્‍યા અને પરેશ ધાનાણી અસ્‍મિતાની લડાઇમાં ક્ષત્રિય સમાજના પડખે રહ્યા. કુલ મળીને આ વખતની લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ સીટ પર પળેપળ નજર રહી હતી.

(4:29 PM IST)