તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
કન્સલટન્ટનો ધડાકોઃ ગેમ ઝોનના માલિકોને જરૂરી ફાયર સિસ્ટમ્સનું લિસ્ટ આપ્યુ તો મોંઘુ પડે કહી ખરીદી ટાળી'તી
ફાયર એનઓસી માટે અરજી કરતાં પહેલા ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ કન્સલ્ટન્ટ પાસે તૈયારીઓ કરાવી ત્યારે જરૂરી સાધનોના લિસ્ટ મુજબ ખરીદી કરી નહિઃ સિટ સમક્ષ કબુલાત

રાજકોટ તા. ૪: ટીઆરપી ગેમ ઝોનની આગની દૂર્ઘટના ૨૭ નિર્દોષ લોકોનો જીવ લઇ ગઇ છે. આ દૂર્ઘટના સંદર્ભે સિટ દ્વારા ચાલી રહેલી તપાસમાં બહાર આવ્યું છે કે ફાયર સેફટીના સાધનો ખરીદ કરવા માટે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળી સાધનોની ખરીદી કરી ન હતી! ઉપરોક્ત નિવેદન ટીઆરપી ગેમ ઝોનના કન્સલ્ટન્ટે સિટની પુછપરછ દરમિયાન આપ્યાનું બહાર આવ્યું છે. જેને લઇને સંચાલકોની ભયંકર ગુનાહિત બેદરકારી ઓનપેપર પ્રસ્થાપિત થઇ ચુકી છે. ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટાઉન પ્લાનીંગ ઓફિસ, ફાયર બ્રિગેડ, ગેમ ઝોનના સંચાલકો અને અન્ય વિભાગોની જવાબદારી સંદર્ભે સતત પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન ટીપીઓ એમ. ડી. સાગઠીયા, એટીપીઓ ગોૈતમ જોષી, એટીપીઓ મુકેશ મકવાણા, ફાયર ઓફિસર રોહિત વિગોરા, આસી. ફાયર ઓફિસર બી. જે. ઠેબાની જવાબદારી શું શું હતી? તે અંગેના પુરાવા ઓનપેપર મળી ચુક્યા બાદ સંચાલકો સામેની પુરાવાની સાંકળ પણ કસાઇ રહી છે.
ટીઆરપી ગેમ ઝોનના ધરપકડ પામેલા માલિકોના કન્સલ્ટન્ટનું નિવેદન નોંધવામા આવ્યું જેમાં તેમના વિરૂધ્ધની માહિતી સામે આવી છે. કન્સલ્ટન્ટે જરૂરી ફાયર એનઓસી માટે ફાયર સેફટીના કયા કયા સાધનો વસાવવા પડે તેનું લિસ્ટ અને એસ્ટીમેટેડ કોસ્ટ આપી હતી. ત્યારે સંચાલકોએ ‘આ તો બહુ મોંઘુ પડે' તેવું ઉચ્ચારણ કરી કન્સલ્ટન્ટની સલાહ મુજબના ફાયર સેફટીના જરૂરી સાધનો ખરીદ કર્યા નહોતાં. આ કારણે સામાન્ય તણખાએ આગનું સ્વરૂપ પકડયું ત્યારે જો આ સાધનો હોત તો આગ કાબુમાં આવી ગઇ હોત. પરંતુ પુરતા સાધનો નહોતાં એટલે આગ આગળ વધી ગઇ હતી અને ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ ગયો હતો. સીઝ ફાયર માટેના કેમિકલ યુક્ત ફોમ સહિતના સાધનોનો પણ અભાવ હતો.
દરમિયાન આજે રિમાન્ડ પર રહેલા પુર્વ અધિકારીઓ, સંચાલકો, ભાગીદારોની પણ સતત પુછપરછ ચાલુ છે અને તેમના વિરૂધ્ધમાં વધુમાં વધુ પુરાવા મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
