<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પીએમ મોદીએ વારાણસીથી જીતની હેટ્રિક ફટકારી :અજયરાયે કહ્યું- ત્રણ કલાક પાછળ હતા, 1,50 લાખ મતે માંડ માંડ જીત્યા

પ્રદેશ અધ્યક્ષ અજયરાયે કહ્યું -રાહુલ ગાંધી રાયબરેલીથી 4 લાખ મતોથી જીતી રહ્યા છે. આ સાબિત કરે છે કે ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા મોદી કરતા ઘણી વધારે છે

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પર સતત ત્રીજી વખત જીત મેળવી છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને હરાવ્યા છે. વડાપ્રધાન મોદીને 6 લાખ 12 હજાર 970 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 4 લાખ 60 હજાર 457 વોટ મળ્યા છે. પીએમ મોદીએ વારાણસી સીટ પર 1 લાખ 52 હજાર 513 વોટથી જીત મેળવી છે. .

   ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વારાણસી લોકસભા સીટના ઉમેદવાર અજય રાયે પીએમ મોદીની જીત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી 3 કલાક પાછળ રહ્યા હતા. 1.5 લાખ મતોથી જીતવા માટે તેમનો પરસેવો છૂટી ગયો હતો. રાહુલ ગાંધી રાયબરેલીમાંથી 4 લાખ મતોથી જીતી રહ્યા છે. આ સાબિત કરે છે કે ભારતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા મોદી કરતા વધુ છે

   વાસ્તવમાં પીએમ મોદી અગાઉ 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતા. મોદી એક જ સીટ પરથી સતત જીતનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે. અગાઉ આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના નામે નોંધાયેલો હતો. નેહરુ ફૂલપુર બેઠક પરથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા, જ્યારે અટલ બિહારી લખનૌ બેઠક પરથી પાંચ વખત જીત્યા હતા.

(8:13 PM IST)