<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ત્રણ વર્ષમાં વંદે ભારત ટ્રેનની સરેરાશ સ્પીડ 84 કિમીથી ઘટી 76 કિમી પ્રતિ કલાક થઈ: જાણો કેમ થયો ઘટાડો ?

ભૌગોલિક કારણો અથવા મૌસમને લીધે તેમની ઝડપ પર અસર થાય

નવી દિલ્હી : રેલવે મંત્રાલયે એક RTIનો જવાબ આપતાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ગતિ અંગે માહિતી આપી છે. આ માહિતી પ્રમાણે વંદે ભારત ટ્રેનોની સરેરાશ ઝડપ એટલે કે સ્પીડ વર્ષ 2020-21માં 84.48 કિમી પ્રતિ કલાક હતી. જે વર્ષ 2023-24માં ઘટીને 76.25 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે વંદે ભારત સાથે સાથે અન્ય ટ્રેનોની સ્પીડને પણ અસર થઈ છે. ખાસ કરીને જેમના રુટ પર નિર્માણ કાર્ય થઈ રહ્યા છે તેમને અસર થઈ છે. આ ઉપરાંત કેટલીક વંદે ભારત ટ્રેનોની અવર-જવર એવા વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલ છે, કે જ્યાં ભૌગોલિક કારણો અથવા મૌસમને લીધે તેમની ઝડપ પર અસર થાય છે.

સેન્ટ્રલ રેલવે ઝોનના અધિકારીએ આ અંગે મુંબઈ CSMT અને મડગાંવ વચ્ચે ચાલી રહેલી વંદે ભારત ટ્રેનનું ઉદાહરણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંકણ રેલવે ઝોનનો મોટાભાગનો હિસ્સો ગાઢ ખંડ છે, જ્યાં ટ્રેનો ઓછી ઉંચાઈવાળા પર્વત શ્રૃખલામાંથી પસાર થાય છે. આ મુશ્કેલ વિસ્તારો છે. જ્યાં તેજ ગતિ સાથે સુરક્ષાને લઈ પણ બાંધછોડ કરવી પડે છે.

તેમણે કહ્યું ચોમાસા દરમિયાન સ્થિતિ પડકારજનક બની જાય છે. આ દરમિયાન અમારે તમામ ટ્રેનોની મહત્તમ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક રાખવાની હોય છે. મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્ર શેખર ગૌડ નામની એક વ્યક્તિએ RTI દાખલ કરી હતી. તેમના મારફતે તેમણે દેશમાં દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સ્પીડ અંગે માહિતી માંગી હતી

(12:12 AM IST)