News of Saturday, 8th June 2024
પ્રખ્યાત નિર્માતા અને રામોજી ફિલ્મ સિટીના માલિક રામોજી રાવનું નિધન
શનિવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા : રામોજી રાવ ઘણા સમયથી બીમાર હતા અને તેમને ૫ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

હૈદ્રાબાદ, તા.૮: ૮ જૂન, ૨૦૨૪ ના રોજ વહેલી સવારે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. રામોજી ગ્રુપના સ્થાપક શ્રી રામોજી રાવનું નિધન થયું છે. શનિવારે સવારે ૪.૫૦ કલાકે તેમનું અવસાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ૮૭ વર્ષીય રામોજી રાવને ૫ જૂને ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રામોજી રાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. અહેવાલો અનુસાર, તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં પરિવાર, મિત્રો અને ચાહકો તેમની અંતિમ ઝલક જોઈ શકે છે અને તેમને વિદાય આપી શકે છે.
રામોજી રાવનું સાચું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. ૧૬ નવેમ્બર ૧૯૩૬ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રામોજી રાવે બિઝનેસ અને ફિલ્મોની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમણે રામોજી ગ્રૂપની સ્થાપના કરી, જેમાં વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી, ચ્વ્સ્ નેટવર્ક, ડોલ્ફિન હોટેલ્સ, માર્ગદર્શી ચિટફંડ અને ઈનાડુ તેલુગુ અખબારનો પણ સમાવેશ થાય છે.
‘નેટવર્થ જ્ઞાન' અનુસાર, રામોજી રાવની સંપત્તિ ૪.૭ અબજ ડૉલરથી વધુ છે, જેને રૂપિયામાં ફેરવવામાં આવે તો ૪૧,૭૦૬ કરોડ રૂપિયા થઈ જાય છે. રામોજી રાવનું ઉષાકિરણ મૂવીઝ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેના બેનર હેઠળ તેણે ઘણી સુપરહિટ તેલુગુ ફિલ્મો આપી.
રામોજી રાવની કારકિર્દી અને સન્માન : રામોજી રાવના કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ ૧૯૮૪માં ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી, જેમાં ‘પ્રતિઘાત', નુવવે કવાલી, વીધી અને ‘થોડા તુમ બદલો થોડા હમ'નો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ ૨૦૦૦માં તેમણે ફિલ્મ ‘નવી કવલી' માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, જ્યારે વર્ષ ૨૦૧૬માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
રામોજી રાવના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ રમા દેવી છે અને તેમને બે પુત્રો હતા. નાનો પુત્ર ચેરુકુરી સુમન ૨૦૧૨માં લ્યુકેમિયાથી મળત્યુ પામ્યો હતો. મોટા પુત્રનું નામ કિરણ પ્રભાકર છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
