News of Saturday, 8th June 2024
લોકસભા સાંસદની બેઝિક સેલરી મહિને રૂ.એક લાખ
સાંસદોને કેટલી સેલરી, ભથ્થાં, સુવિધા અને સુરક્ષા મળે છે ?

નવી દિલ્હી, તા.૮: NDA ગઠબંધને સરકાર બનવાનો દાવો કરતાં રાષ્ટ્રપતિને સમર્થક સાંસદોની યાદી સોંપી હતી. જેથી હવે કેન્દ્રમાં નવી સરકાર બનવાની કવાયત તેજી થઈ ગઈ છે. નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વાર નવ જૂને વડાપ્રધાનપદના શપથ લેશે. NDA સંસદીય દળના નેતા ચૂંટાયા પછી મોદી સિનિયર નેતા લાલ કળષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને તેમના ખબરઅંતર પૂછયા હતા.
રસપ્રદ વાત એ છે કે સાંસદોને સ્વતંત્રતા પછી સેલરીમાં ૨૫૦ ગણો વધારો થયો છે. આવો જાણીએ દેશના અલગ-અલગ હિસ્સામાંથી આવતા સાંસદોને કેટલી સેલરી, ભથ્થાં, સુવિધા અને સુરક્ષા મળે છે.
સ્વતંત્રતા પછી અત્યાર સુધી સાંસદની સેલરીમાં ૧૦ વાર વધારો કરવામાં આવી ચૂકયો છે. વળી, તેમની સેલેરી, દૈનિક ભથ્થાં અને પેન્શનમાં દર પાંચ વર્ષે પાંચ ટકા ફિક્સ ઇન્ક્રિમેન્ટનો વધારો કરવામાં આવશે, એવી જોગવાઈ છે.
લોકસભાના દરેક સાંસદને પ્રતિ મહિને બેઝિક સેલરી હાલ રૂ. એક લાખ મળે છે, આ ઉપરાંત તેમને નિવાસસ્થાન, આરોગ્ય, પ્રવાસ સહિત અનેક પ્રકારનાં ભથ્થાં અન્ય સુવિધાઓ મળે છે. આ સાથે પેન્શન તરીકે પ્રતિ મહિને તેમને રૂ. ૨૫,૦૦૦, જેમાં સેવાના પ્રત્યેક વર્ષ માટે રૂ. ૧૫૦૦નો વધારો કરવામાં આવે છે. આ સિવાય સાંસદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માત્ર બેઝિક સેલેરી પર ટેક્સ ભરે છે. અલગથી મળતા ભથ્થાં પર તેમને કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો.
પ્રાપ્ત માહિતી અનુસાર એક સાસંદને કોઈ પણ સેશનમાં કે સંસદીય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે કે સંસદસભ્યથી જોડાયેલા કામની મુલાકાત લેવા માટે યાત્રા ભથ્થું આપવામાં આવે છે, વળી, સંસદ સત્ર દરમ્યાન દૈનિક ભથ્થાં રૂ. ૨૦૦૦ દૈનિક ધોરણે આપવામાં આવે છે. સાંસદ રસ્તા માર્ગે યાત્રા કરે તો કિલોમીટરદીઠ રૂ. ૧૬ને હિસાબે અલગથી ભથ્થું આપવામાં આવે છે.
આ સિવાય સાસંદને ચૂંટણી ક્ષેત્રના ભથ્થાના રૂપે પ્રતિ મહિને રૂ. ૭૦,૦૦૦ મળે છે. મળી તેમની ઓફિસમાં ટેલિફોનનો ખર્ચ સરકાર ભોગવે છે. સાંસદને રૂ. ૫૦,૦૦૦ મફત કોલની સુવિધા મળે છે. ઘરમાં મફત વીજળી અને પાણીની સુવિધા અને ઓફિસ ભથ્થાં તરીકે પ્રતિ મહિને રૂ. ૬૦,૦૦૦ મળે છે. આ ઉપરાંત સાંસદને રેલવે પાસની સુવિધાસરકાર કામના સિલસિલામાં વિદેશ યાત્રા કરવા પર સરકારી ભથ્થાંની સુવિધા અને મેડિકલની સુવિધા પણ મળે છે. આ સાથે સાંસદને સરકારી ખર્ચે સુરક્ષા કર્મચારીની સુવિધા પણ મળે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
