News of Saturday, 8th June 2024
દિલ્હી હાઇએલર્ટ પર : ડ્રોન ઉડાવવા પર 2 દિવસ માટે પ્રતિબંધ:કલમ 144 લાગુ : ત્રિસ્તરીય સુરક્ષા
રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડો, ડ્રોન અને 'સ્નાઈપર્સ'ની પાંચ કંપનીઓ તૈનાત

નવી દિલ્હી : નરેન્દ્રભાઈ મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શુક્રવારે સાંજે શપથગ્રહણની તારીખોની પુષ્ટિ થતાં જ દિલ્હી પોલીસે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શપથ ગ્રહણ સમારોહની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે બે દિવસ માટે દિલ્હીમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
દિલ્હી પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર, દિલ્હીમાં 2 દિવસ માટે ડ્રોન, પેરાગ્લાઈડર અથવા એવી કોઈ પણ વસ્તુ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 9 જૂન અને 10 જૂન માટે લાગુ થશે. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. આ આદેશ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા દ્વારા જારી કરવામાં આવ્યો છે.
દિલ્હી હાઈ એલર્ટ પર 9 જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડો, ડ્રોન અને 'સ્નાઈપર્સ'ની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન)ના સભ્ય દેશોના મહાનુભાવોને આમંત્રણને ધ્યાનમાં રાખીને દિલ્હી 'હાઈ એલર્ટ' પર રહેશે. ત્રણ સ્તરની સુરક્ષા સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનની અંદર યોજાનાર હોવાથી સંકુલની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે. દિલ્હી પોલીસના જવાનોને 'આઉટર સર્કલ' પર તૈનાત કરવામાં આવશે, ત્યારબાદ અર્ધલશ્કરી દળો અને રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા કર્મચારીઓને 'ઇનર સર્કલ'માં તૈનાત કરવામાં આવશે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
