<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

છોટા ઉદેપુરના કવાંટમાં પોણો ઇંચ વરસાદઃ અન્‍યત્ર ધોમધખતો તાપ

આગામી દિવસોમાં મધ્‍ય-દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્‍ટ્રમાં વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ, તા. ૮ : હવામાન ખાતાની આગાહી મુજબ જ આજે વહેલી સવારે છોટાઉદેપુરના કવાંટ અને પંચમહાલના કલોલમાં વરસાદ પડ્‍યો છે. આજે સવારના બે કલાકમાં કવાંટમાં પોણો ઈંચ વરસાદ પડ્‍યો છે.

ગઈકાલે પણ હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના માંગરોળ અને ડાંગના સુબીરમાં એક-એક ઈંચ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે ડાંગના વધાઈમાં અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે, આ ઉપરાંત ઓલપાડ, ખેરગામ, કુકરમુંડા, સુરત, સુરતનું માંડવી, ડાંગ-આહવા, વાસંદા અને ડેડિયાપાડામાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ ૮ જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શકયતા છે. જ્‍યારે ૯ જૂનના રોજ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્‍યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઇ શકે છે.

હાલમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ૯ જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી હતી. ત્‍યારે હવે આ આગાહી બદલાઈ ચૂકી છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની કોઈ શકયતા નથી.

હાલમાં અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૩ ડિગ્રી રહ્યો હતો. ગાંધીનગરમાં પણ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. સુરેન્‍દ્રનગરમાં ૪૨.૮ ડિગ્રી, વિ.વિ.નગરમાં ૪૨.૩ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૩ ડિગ્રી, ડીસામાં ૪૧.૭ ડિગ્રી અને વડોદરામાં ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગ દ્વારા, આગામી પાંચ દિવસ દરમિયાન મધ્‍ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્‍ટ્રના વિવિધ વિસ્‍તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ વિસ્‍તારોમાં પ્રતિ કલાકે ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પાંચ દિવસ આ વિસ્‍તારમાં હળવાથી મધ્‍યમ પ્રકારના વરસાદની આગાહી

શનિવારઃ ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, અમરેલી, વલસાડ, નર્મદા, તાપી અને દીવ.

રવિવારઃ ગીર સોમનાથ, જુનાગઢ, દાહોદ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દીવ.

સોમવારઃ જુનાગઢ, દમણ, ભાવનગર, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, બોટાદ અને દીવ.

મંગળવારઃ ગીર સોમનાથ, દાહોદ, મહિસાગર, ભાવનગર, દમણ, અમરેલી, દાદરા નગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, જુનાગઢ અને દીવ.

(2:59 PM IST)