<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ તરફથી નીતિશકુમારને વડાપ્રધાન પદ ઓફર કરાયું હતું

જેડીયુ નેતાના દાવાથી રાજકીય ખળભળાટ

નવી દિલ્‍હી, તા.૮: કેન્‍દ્રમાં સરકાર બને તે પહેલા જેડીયુ નેતા કે.સી.ત્‍યાગીએ તેમના એક નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કહ્યું કે જે નેતાઓએ નીતીશ કુમારને I.N.D.I.A. ગઠબંધનના રાષ્‍ટ્રીય સંયોજક ન બનાવ્‍યાં તેમને તે વડાપ્રધાન બનાવવાની ઓફર કરી રહ્યા છે.

ઓફર ઠુકરાવી દીધી હતી નીતીશ કુમારે  : અહેવાલ અનુસાર કે.સી.ત્‍યાગીએ કહ્યું કે ચૂંટણી પરિણામો સામે આવ્‍યા બાદ I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ તરફથી નીતીશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરાઈ હતી પણ તે ઓફર ઠુકરાવી દેવાઈ હતી.

વિપક્ષના ગઠબંધનના સૂત્રધાર રહ્યા છે નીતીશ કુમાર : ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં બહુમતીના આંકડાને સ્‍પર્શવામાં ભાજપ નિષ્‍ફળ રહ્યો છે. જોકે એનડીએની સરકાર બનાવવા માટે જેડીયુઅને ટીડીપીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ચૂંટણીમાં જેડીયુને ૧૨ લોકસભા બેઠકો મળી છે. જ્‍યારે ટીડીપીને ૧૬ બેઠક મળી છે. I.N.D.I.A. ગઠબંધનના સૂત્રધાર રહેલા નીતીશ કુમારે સ્‍પષ્ટતા રીતે કહ્યું છે કે તે એનડીએ સરકારને સમર્થન આપશે.

ભાજપમાં જેડીયુને સન્‍માન મળ્‍યું :  કે.સી. ત્‍યાગી : જેડીયુના કદાવર નેતાએ કહ્યું કે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ દ્વારા નીતીશ કુમાર સાથે કરાયેલા દુર્વ્‍યવહારને કારણે તેમણે વિપક્ષ સાથે સંબંધ તોડી નાખ્‍યા છે. જ્‍યારે જેડીયુને ભાજપ સન્‍માન આપે છે. આ સાથે જેડીયુ નેતાએ અગ્નિવીર યોજના ઉપર પણ ટિપ્‍પણી કરતાં કહ્યું કે અમે મોદી સરકાર સમક્ષ આ યોજનાની સમીક્ષાની તથા યુસીસી લાવતા પહેલા તમામ રાજ્‍યો સાથે વાતચીત કરવાની હિમાયત કરીશું.

(3:40 PM IST)