<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રાહુલ ગાંધીએ CWC પાસે વિપક્ષના નેતા બનવાના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સમય માંગ્યો : આ પદ દસ વર્ષથી ખાલી

વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રાહુલ ગાંધીએ તેનો સ્વીકાર કરવો જોઈએ : કોંગ્રેસના સભ્યોની માગણી

નવી દિલ્હી તા.૮ :  શનિવારે CWCની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કે રાહુલ ગાંધીએ આ પદ સ્વીકારવા માટે થોડો સમય માંગ્યો છે. પરંતુ વધતા દબાણને કારણે મોડી સાંજ સુધીમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતાનું પદ દસ વર્ષથી ખાલી છે.

કોંગ્રેસ સંસદીય દળની બેઠક શનિવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં CWC સભ્યોએ પ્રસ્તાવ મૂક્યો કે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતાની ભૂમિકા ભજવવી જોઈએ. જો કે, આ પ્રસ્તાવને નમ્રતાથી નકારી કાઢતા રાહુલ ગાંધીએ વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો. પરંતુ કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રાહુલ ગાંધીએ તેનો સ્વીકાર કરવો જોઈએ. રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી સહિત ઘણા નેતાઓએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. કેસી વેણુગોપાલે જણાવ્યું કે બેઠકમાં તમામ સભ્યોએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે વિનંતી કરી. તમામ સભ્યોએ સર્વસંમતિથી કહ્યું- રાહુલના નેતૃત્વમાં અમે સંસદમાં સરકારની ખોટી નીતિઓનો જોરદાર વિરોધ કરીશું.

સાંજે સંસદીય દળની બેઠકમાં વિપક્ષી નેતા નક્કી કરવામાં આવશે

CWCની બેઠક બાદ સંસદીય દળની બેઠક શનિવારે સાંજે જ યોજાશે. સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસના નેતાની પસંદગી કરવામાં આવશે. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે.

(4:27 PM IST)