<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

અમેઠીમાં અગ્નિવીર યોજનાના કારણે સ્મૃતિ ઈરાનીનો થયો હતો કારમો પરાજય

સેનામાં ભરતીની તૈયારી કરનારા યુવકો અને વાલીઓમાં અગ્નિવીર યોજનાને લઈને વ્યાપક રોષ જોવા મળ્યો હતો પરિણામે ભાજપને અમેઠી લોકસભા બેઠક ગુમાવવાનો વારો આવ્‍યો હતો

નવી દિલ્‍હીઃ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અમેઠી લોકસભા બેઠક પર સ્મૃતિ ઈરાનીનો કારમો પરાજય થયો છે. ભાજપની ભૂંડી હારનું એક કારણ યુવા મતદાતાઓની નારાજગી પણ છે. અગ્નિવીર યોજના લાગુ થવા સાથે જ અહીં વિરોધના સુર ઉઠ્યા હતા. આમ છતાં મોદી સરકાર દ્વારા આ યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. જેના પરિણામે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

અમેઠી જિલ્લામાં અનેક યુવાનોએ ભાજપને મત જ નથી આપ્યા, કારણ કે અગ્નિવીર યોજનાના કારણે તેમનું સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવાનું સપનું રોળાઈ ગયું છે. અમેઠી વિધાનસભા અંતર્ગત આવતા સંગ્રામપુર, ભાદર, ભેટુઆમાં સૈનિકો અને પૂર્વ સૈનિકોની મોટી સંખ્યા છે. અહીંના યુવાનોનું પહેલું સપનું દેશ સેવા માટે સેનામાં ભરતી થવાનું હોય છે. અહીના યુવકો સેના ભરતીમાં મોટી સંખ્યામાં સામેલ થતાં હોય છે.

આટલું જ નહીં, અમેઠીના અનેક યુવાનો દેશની સરહદની સુરક્ષા કરતા-કરતાં પોતાના પ્રાણની આહુતિ પણ આપી ચૂક્યા છે. સેનામાં ભરતીની તૈયારી કરનારા યુવકો અને વાલીઓમાં અગ્નિવીર યોજનાને લઈને વ્યાપક રોષ જોવા મળ્યો હતો.

આ અંગે સંગ્રામપુરના શુકુલપુરમાં રહેતા રાજુ મિશ્રાએ જણાવ્યું કે, સરકારે અગ્નિવીર યોજના તરત જ પરત ખેંચી લેવી જોઈએ. આ યોજનાથી સરકારને જે નુકસાન થયું, તે સમજવાની જરૂર છે. જો અગ્નિવીર યોજના સમયસર પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં હાલત વધારે ખરાબ થશે.

અન્ય એક જવાન શિવમ દુબેએ જણાવ્યું કે, મારું સપનું સેનામાં ભરતી થવાનું હતુ. જો કે તૈયારી માટે ગામમાં પુરતી વ્યવસ્થા ના હોવાથી તેણે શહેરમાં જઈને લેખિત અને શારીરિક કસોટી માટે કોચિંગ શરૂ કર્યું. બે વર્ષ સુધી ભરતી જ ના થઈ અને જ્યારે ભરતી શરૂ થઈ, ત્યારે અગ્નિવીર યોજના લાગુ કરી દેવામાં આવી.

રોહિતકુમાર નામના અન્ય એક યુવકે જણાવ્યું કે, હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરવા સાથે જ મેં સેનામાં ભરતી માટે તૈયારી શરૂ કરી દીધી. જો કે ત્રણ વર્ષ સુધી ભરતી જ ના થઈ અને પછી અગ્નિવીર યોજના લાગુ કરી દેવામાં આવી. ચાર વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર સેનામાં ફરજ બજાવવા કરતાં ઘરમાં રહીને ખેતી કરવી વધારે સારૂં. સરકારે આ યોજનાના નામે યુવાનો સાથે છેતરપિંડી કરી છે.

(10:48 PM IST)