હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મારીયા અને કેટરીનાને જાહેર જીવનમાં એન્ટ્રી કરાવીને પુતિને પોતાના રાજકીય વારસ તરીકે દીકરીઓ જ હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યા
રશિયાનું લશ્કર, જાસૂસી તંત્ર, વહીવટી તંત્ર બધે જ પુતિનના વફાદારો ગોઠવાયેલા છે તેથી પુતિનની દીકરીઓ સામે કોઈ પડકાર જ નથી

નવી દિલ્હીઃ પુતિન માટે તેમનો પરિવાર અને તેમાં પણ દીકરીઓ જ સૌથી ભરોસાપાત્ર છે તેથી પુતિન તેમને જ સત્તા સોંપશે. રશિયામાં પુતિનનો ખૌફ એવો છે કે, કોઈની સામે પડવાની તાકાત નથી. પોતાની સામે પડે તેને પુતિન પતાવી દે છે. રશિયાનું લશ્કર, જાસૂસી તંત્ર, વહીવટી તંત્ર બધે જ પુતિનના વફાદારો ગોઠવાયેલા છે તેથી પુતિનની દીકરીઓ સામે કોઈ પડકાર જ નથી.
પુતિન રશિયામાં પણ ઉત્તર કોરીયા જેવી સ્થિતી કરી નાંખવા માગે છે. ઉત્તર કોરીયાના વર્તમાન સરમુખત્યાત કિમ ઉન જોંગના દાદા ૧૯૫૨માં સામ્યવાદી પાર્ટીના કર્તાહર્તા બન્યા પછી તેમણે ધીરે ધીરે સત્તા પર કબજો જ કરી લીધો અને વંશવાદી શાસન જ સ્થાપી દીધું.
રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ગયા મહિને પોતાના ભૂતપૂર્વ બોડીગાર્ડ એલેક્સેઈ ડયુમિનની એડવાઈઝરી સ્ટેટ કાઉન્સિલના સેક્રેેટરી તરીકે નિમણૂક કરી ત્યારે એવી વાતો ચાલેલી કે, પુતિને ડયુમિનને પ્રમોશન આપીને પોતાનો રાજકીય વારસ બનાવવાનો સંકેત આપી દીધો છે. પુતિનના સલાહકાર રહી ચૂકેલા સર્ગેઈ માર્કોવે કહેલું કે, ડયુમિનને સક્રેેટરી બનાવીને પુતિને સંકેત આપી દીધી છે કે ડયુમિન રશિયાનો ભાવિ પ્રમુખ છે.
આ વાતને મહિનો પણ થયો નથી ત્યાં ચિત્ર બદલાઈ ગયું છે અને રશિયાના રાજકીય તખ્તે પુતિનની દીકરીઓ મારીયા અને કેટરીનાની એન્ટ્રી થઈ છે. મારીયા અને કેટરીનાએ સેંટ પીટર્સબર્ગ ઈકોનોમિક ફોરમમાં વક્તા તરીકે હાજરી આપીને રાજકારણમાં તેમની એન્ટ્રીનો સંકેત આપી દીધો કેમ કે રશિયામાં મોટા ભાગના નેતા આ ફોરમના પ્લેટફોર્મ પરથી જ રાજકારણમાં પ્રવેશે છે.
૩૯ વર્ષની મારીયાએ બાયોટેકનોલોજીમાં થઈ રહેલી શોધો વિશે પ્રવચન આપ્યું જ્યારે કેટરીનાએ રશિયાની ડીફેન્સ ઈન્ડસ્ટ્રીના વર્તમાન અને ભાવિ વિશે વાત કરી. મારીયા અને કેટરીનાને જાહેર જીવનમાં એન્ટ્રી કરાવીને પુતિને પોતાની રાજકીય વારસ પોતાની દીકરીઓ જ હોવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે એવું વિશ્લેષકો માને છે.
પુતિન રંગીન મિજાજના માણસ છે અને સેંકડો યુવતીઓ સાથે તેમનાં અફેર રહ્યાં છે પણ લગ્ન એક જ વાર કર્યાં છે. ૧૯૮૩માં પુતિને લ્યુડમિના પુતિના સાથે લગ્ન કરેલાં. આ લગ્નથી મારીયા અને કેટરીના એમ બે દીકરી છે. લ્યુડમિના અને પુતિનના ૨૦૧૪માં ડિવોર્સ થયા એ પહેલાં લ્યુડમિના સતત પુતિન સાથે દેખાતાં હતાં પણ પુતિને પોતાની બંને દીકરીઓને હંમેશાં દુનિયાથી છૂપાવીને રાખી.
પુતિન રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં ઓફિસર હતા. સોવિયેત રશિયાના સમયમાં અમેરિકા સાથે રશિયાનું કોલ્ડ વોર ચાલતું ત્યારે પુતિને રશિયા માટે ઘણાં ઓપરેશનો પાર પાડેલાં, ઘણી હત્યાઓ કરાવેલી. આ કારણે પુતિને બહુ બધા દુશ્મનો પેદા કર્યા. આ દુશ્મનોથી દીકરીઓને ખતરો ના થાય એટલે પુતિને બંને દીકરીઓને જર્મનીમાં ભણાવી છે.
ગ્રેજ્યુએશન માટે દીકરીઓ રશિયા પાછી ફરી પછી પણ પુતિન ભાગ્યે જ પોતાની દીકરીઓ સાથે જાહેરમાં દેખાયા છે કેમ કે રાજકારણમાં આવ્યા પછી તો પુતિનના દુશ્મનો વધી ગયા.
પુતિને દીકરીઓને કોઈ ઓળખે નહીં એટલા માટે સ્કૂલ-કોલેજમાં તેમના નામની પાછળ પુતિન સરનેમ પણ નહોતી લગાડી. તેના બદલે માતા લ્યુડમિનાના પરિવારની સરનેમ લગાડી હતી.
મારીયા અને કેટરીના બહેનો છે એવી ખબર ના પડે એટલે બંનેની લ્યુડમિનાના પિતાની સરનેમ મારીયાને અને નાનાની સરનેમ કેટરીનાને આપી. પુતિને મારીયા-કેટરીનાને દુશ્મનોથી સુરક્ષિત રાખવા માટે તેમના પોતાની સાથેના ફોટા પણ ક્યાંય ના આવે તેની પણ કાળજી રાખી છે. પુતિનની લ્યુડમિના અને બંને દીકરીઓ સાથેની એક માત્ર તસવીર દાયકાઓ પહેલાં પુતિન વેકેશન માણવા ગયેલા એ વખતની છે. એ સિવાય દીકરીઓ સાથે પુતિનનો કોઈ ફોટો પણ બહાર આવ્યો નથી. આ હદની ગુપ્તતા પછી અચાનક બંને દીકરીઓ જાહેર મંચ પર આવી ગઈ છે. પુતિન માટે તેમનો પરિવાર અને તેમાં પણ દીકરીઓ જ સૌથી ભરોસાપાત્ર છે તેથી પુતિન તેમને જ સત્તા સોંપશે. પુતિન છેલ્લે પ્રમુખપદની ચૂંટણી લડયા ત્યારે મારીયા પુતિનના પ્રચારમાં સક્રિય થઈ હતી. પુતિને એ વખતે જ દીકરીઓને રાજકારણમાં લાવવાનો સંકેત આપી દીધો હતો. પુતિનની મોટી દીકરી મારીયા ડોક્ટર જ્યારે નાની દીકરી કેટરીના વ્લાદિમિરોવના તિખોનોવા વિજ્ઞાાની છે.
એકદમ ફ્લેક્સિબલ બોડી ધરાવતી કેટરીના એરોબેટિક ડાન્સર પણ છે. કેટરીના એરોબેટિક રોક-એન-રોલની ચેમ્પિયન છે. દુનિયામાં એરોબેટિકિ રોક-એન-રોલના ૨૦૦ જેટલા ડાન્સર છે.
કેટરીનાએ ૨૦૧૩માં બિઝનેસમેન કિરિલ શેનાલોવ સાથે લગ્ન કર્યાં હતાં. કિરિલના પિતા નિકોલાઈ શેમાલોવ રોશિય બેંકના સ્થાપક છે અને રશિયાના ટોચના ધનિકોમાં એક છે. ૨૦૧૫માં કેટરીના અને કિરિલના ડિવોર્સ થઈ ગયા પછી કેટરીના બેલે ડાન્સર ઈગોર ઝેલેનેસ્કીના પ્રેમમાં પડી. આ સંબંધથી ૨૦૧૭માં કેટરીનાને એક દીકરી જન્મી હતી.
પુતિન માર્ચમાં જ વધુ છ વર્ષ માટે રશિયાના પ્રમુખપદે ચૂંટાયા છે. રશિયામાં હવે સીધી ૨૦૩૦માં ચૂંટણી થવાની છે તેથી પુતિન પાસે દીકરીઓને સ્થાપિત કરવા માટે પૂરતો સમય છે. રશિયામાં પુતિનનો ખૌફ એવો છે કે, કોઈની તેની સામે પડવાની તાકાત નથી.
જે પોતાની સામે પડે તેને પુતિન પતાવી દે છે. રશિયાનું લશ્કર, જાસૂસી તંત્ર, વહીવટી તંત્ર બધે જ પુતિનના વફાદારો ગોઠવાયેલા છે તેથી પુતિનની દીકરીઓ સામે કોઈ પડકાર જ નથી.
પુતિન રશિયામાં પણ ઉત્તર કોરીયા જેવી સ્થિતી કરી નાંખવા માગે છે. ઉત્તર કોરીયાના વર્તમાન સરમુખત્યાત કિમ ઉન જોંગના દાદા ૧૯૫૨માં સામ્યવાદી પાર્ટીના કર્તાહર્તા બન્યા પછી તેમણે ધીરે ધીરે સત્તા પર કબજો જ કરી લીધો અને વંશવાદી શાસન જ સ્થાપી દીધું. પુતિન પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છે. પુતિનનો એ વિના છૂટકો પણ નથી કેમ કે પુતિને એટલું બધું ખોટું કર્યું છે કે, એ પોતે નહીં હોય ત્યારે તેની કિંમત તેમના પરિવારે ચૂકવવી પડી શકે છે.
મારીયાના બે દીકરા, કેટરીનાની દીકરી ઉપરાંત પુતિનની ગર્લફ્રેન્ડ કાબાનેવાની દીકરી, પુતિનની બીજી રખાતોનાં સંતાનોમાંથી કોઈને પણ ટાર્ગેટ કરી શકાય છે. આ સ્થિતી પેદા ના થાય એટલા માટે રશિયામાં પુતિનનો પરિવાર જ સત્તામાં રહે એ જરૂરી છે.
મારીયા બાળરોગોની નિષ્ણાત, ગેંગ વોરના ડરે જર્મનીમાં ભણી
પુતિન અને લ્યુડમિનાની મોટી દીકરી મારીયા વ્લાદિમિરોના વોરોન્તસોવા બાળકોની ડોક્ટર છે. પીડિયોટ્રિક એન્ડોક્રિમિલોજિસ્ટ તરીકે કામ કરતી ૩૯ વર્ષની મારીયા પૂર્વ જર્મનીમાં ભણેલી છે.
સોવિયેત રશિયાના સમયમાં પુતિન રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીમાં કામ કરતા ત્યારે પૂર્વ જર્મનીમાં રહેતા તેથી પુતિનની બંને દીકરીઓનું બાળપણ પૂર્વ જર્મનીમાં વિત્યું છે. સોવિયેત યુનિયનમાં સામ્યવાદના પતન પછી ૧૯૯૧માં પુતિન રશિયા પાછા આવ્યા પછી થોડો સમય બંને દીકરીઓને પુતિને પોતાની સાથે સેંટ પીટર્સબર્ગમાં પોતાની સાથે રાખી હતી પણ પીટર્સબર્ગમાં ગેંગ વોર ફાટી નિકળતાં પુતિને બંને દીકરીઓને પાછી જર્મની મોકલી દીધી હતી. મારીયા ગ્રેજ્યુએશન કરવા માટે રશિયા પાછી ફરી. મારીયા મેડિસિનમાં ગ્રેજ્યુએટ થઈ પછી માસ્ટર્સ ડીગ્રી પણ લીધી છે. મારીયાએ ડચ બિઝનેસમેન જોરીટ ફાસ્સેન સાથે ૨૦૦૮માં લગ્ન કરેલાં. પુતિને સીક્યુરિટીનાં કારણોસર લગ્ન નેધરલેન્ડ્સમાં કરાવેલાં. મારીયા પતિ સાથે નેધરલેન્ડ્સમાં જ રહેતી હતી. ૨૦૧૨માં તેને એક દીકરો જન્મ્યો. ૨૦૧૩માં યુક્રેનમાં રશિયા તરફી બળવાખોરોએ મલેશિયાના પેસેન્જર પ્લેનને તોડી પાડી ૨૯૮ લોકોની હત્યા કરી પછી નેધરલન્ડસમાં મારીયાને તગેડી મૂકવાની માગ શરૂ થઈ. પુતિને સલામતીને ખાતર દીકરીને પરિવાર સાથે મોસ્કો બોલાવી લીધી. મારીયાના પતિનો બિઝનેસ યુરોપમાં ફેલાયેલો હોવાથી ૨૦૧૫માં એ ડિવોર્સ લઈને નેધરલેન્ડ્સ પાછો જતો રહ્યો.
પુત્રી સામે આક્ષેપો કરનારા એલેક્સેઈને પુતિને પતાવી દીધા
પુતિન દીકરીઓ અંગે એ હદે પ્રોટેક્ટિવ છે કે, પોતાના વિરોધી એલેક્સેઈન નાવાલનીને દીકરીઓ સામે આક્ષેપો કરવા બદલ પતાવી દીધા છે. પુતિનની પાછળ હાથ ધોઈને પડેલા એલેક્સેઈ નાવાલનીએ ૨૦૨૩માં આક્ષેપ કરેલો કે, મારીયાને ન્યુ મેડિકલ કંપની (નોમેકો)ના કર્મચારી તરીકે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન ૧.૦૭ કરોડ ડોલર પગાર તરીકે ચૂકવાયા હતા. નોમેકો કંપની પુતિનના મિત્ર યુરી કોવાલચુકની કંપની સોગાઝ સાથે મળીને કામ કરતી હતી. મારીયાને મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી પણ પગાર મળતો હતો.
મારીયાએ મોસ્કોમાં તેના પતિ સાથે મળીને ૯૦ લાખ ડોલરનું પેન્ટહાઉસ લીધું હતું જ્યારે મોસ્કો પાસે મોટું ફાર્મહાઉસ લીધું હતું. પુતિનની નાની દીકરી કેટરીના તથા મારીયાની કંપનીને ૨૦૨૨માં ૧.૩૬ કરોડ ડોલરની કમાણી થયેલા એવા રીપોર્ટ પણ એલેક્સેઈએ પબ્લિશ કર્યા હતા. આ આક્ષેપ પછી નાવાલનીને જેલમાં ધકેલી દેવાયો અને જેલમાં જ રહસ્યમય રીતે ગુજરી ગયો. પુતિનની દીકરીએઓ સામે એલેક્સેઈએ આક્ષેપો ના કર્યા હોત તો એ બચી ગયો હોત એવું મનાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
