<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

રાજનીતિ / એલન મસ્કે નરેન્દ્ર મોદીને જીત પર શુભેચ્‍છા પાઠવીઃ એલન મસ્ક તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત

એલન મસ્કની ટેસ્લા ભારતમાં EV ઉત્પાદન એકમ માટે રૂ. 25 હજાર કરોડ એટલે કે 3 અબજ ડોલરનું રોકાણ કરે તેવી સંભાવના

નવી દિલ્‍હીઃ  નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે આજે સાંજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ તેમને વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષો તરફથી અભિનંદન મળી રહ્યા છે. આ સિવાય વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ એલન મસ્કએ પણ નરેન્દ્ર મોદીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. આ વખતે મસ્કે માત્ર અભિનંદન જ નહીં પરંતુ અનેક સંકેતો પણ આપ્યા. વિગતો મુજબ એલન મસ્કે કહ્યુ કે, તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આનો અર્થ સ્પષ્ટ છે કે, તેમની કંપનીઓ સ્ટારલિંક અને ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં તેમનું કામ શરૂ કરી શકે છે. આ સાથે એક વાત એ પણ છે કે, હવે ટૂંક સમયમાં એલન મસ્ક ભારતની મુલાકાત પણ લઈ શકે છે.વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ એલન મસ્કનો આ પહેલા ભારત આવવાનો પ્લાન 21 અને 22 એપ્રિલે હતો. જોકે આ દરમિયાન ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી. મસ્કે તે સમયે પોતાની મુલાકાત એ કહીને કેન્સલ કરી દીધી હતી કે, તેમને ટેસ્લા સાથે સંબંધિત કોઈ કામ કરવાનું છે. થોડા દિવસો પછી તે અચાનક ચીન પહોંચી ગયા અને જ્યાં તેઓ ટેસ્લા પર લાગેલા નિયંત્રણો હટાવવા માટે ચીનના નેતાઓ અને અધિકારીઓને મળ્યા હતા. નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લીધા બાદ ટેસ્લા અને સેટેલાઇટ કોમ્યુનિકેશનને લઈને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. એલન મસ્ક ભારતમાં EVને લઈને 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

અબજોપતિ એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, તેમની કંપનીઓ ભારતમાં જે 'રોમાંચક કામ' કરી રહી છે તેનાથી તેઓ ઉત્સાહિત છે. મોદી આજે એટલે કે 9 જૂન રવિવારના રોજ વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન તરીકે આ તેમનો સતત ત્રીજો કાર્યકાળ હશે. મસ્કે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં વિજય માટે નરેન્દ્ર મોદીને અભિનંદન! મારી કંપનીઓ ભારતમાં જે ઉત્તેજક કામ કરી રહી છે તેના માટે ઉત્સાહિત છું.PM મોદીએ પણ આપ્યો જવાબ

વડાપ્રધાન મોદીએ તેમને જવાબ આપ્યો, એલન મસ્ક, હું તમારી શુભકામનાઓની કદર કરું છું. તેમણે કહ્યું કે, પ્રતિભાશાળી ભારતીય યુવાઓ, દેશની વસ્તી, અનુમાનિત નીતિઓ અને સ્થિર લોકશાહી રાજનીતિ તેના તમામ હિતધારકો માટે વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

એવી અપેક્ષા છે કે એલન મસ્કની ટેસ્લા ભારતમાં EV ઉત્પાદન એકમ માટે રૂ. 25 હજાર કરોડ એટલે કે 3 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. હાલમાં ભારત EVs માટે એક મોટું બજાર બનવાના માર્ગ પર છે. સ્થાનિક ખેલાડીઓ સહિત ચીન અને વિયેતનામની મોટી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે અને EV મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તે પછી પણ ટેસ્લાની એન્ટ્રી ભારતમાં સ્પર્ધાને વેગ આપશે. ઉપરાંત દેશમાં સસ્તું EV સંબંધિત સ્પર્ધા વધશે.

(11:29 AM IST)