News of Monday, 10th June 2024
ઓપરેશન આહટઃ 16 યુવતિઓને તમિલનાડુ લઇ જતો યુવક ઝડપાયોઃ રેલ્વે પોલીસની સફળ કામગીરી

રાજનંદગાંવ તા. 10: ટ્રેનિંગ અને નોકરી અપાવવાના બહાને કવર્ધા વિસ્તારની 16 યુવતિઓને તમિલનાડુ લઇ જતા એક યુવકની રેલ્વે સુરક્ષાદળ (આરપીએફ) એ રાજનંદગાંવ રેલ્વે સ્ટેશનમાં ધરપકડ કરી છે. પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં આપતા યુવતિઓને સખી સેન્ટર પર મોકલી દેવાઇ છે. જયાં તેમને તેમના વાલીઓને સુપ્રત કરવાની કવાયત ચાલી રહી છે. રેલ્વે પોલીસે ‘‘ઓપરેશન આહટ'' હેઠળ આ કામગીરી કરી છે.
આરપીએફના ટીઆઇ તરૂણા સાહુએ જણાવ્યું કે રાત્રે તેમની ટીમ પ્લેટફોર્મ પર ચેકીંગ માટે નીકળી હતી. અચાનક તેમની નજર આ યુવતિઓ પર પડી, જે થોડી અસહજ અને ડરેલી હોય તેવી દેખાતી હતી, તેમની સાથે કોઇ પરિજન અથવા વાલી પણ નહોતા, માત્ર એક શખ્સ તેમની સાથે હતો. પૂછપરછ કરતા, કેટલીક યુવતિઓએ બેંગ્લુરૂ જવાની વાત કહી તો કેટલીકે તમિલનાડુ જવાની વાત કરી. જયારે તેમની પાસ઼ે ટીકીટ ત્રિપુરની હતી.
યુવતિઓ ત્યાં જવાનું સ્પષ્ટ કારણ પણ નહોતી બતાવી શકી. આ બધી યુવતિઓ 18 થી ર3 વર્ષની છે. છત્તીસગઢથી આ રીતે કેટલીયે યુવતિઓ ગાયબ થવાની ફરિયાદો અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી છે.
રેલ્વે પોલીસે આ ઘટનાની જાણ મહિલા અને બાળ વિકાસ વિભાગને આપી હતી. વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. પૂછપરછ પછી બધી યુવતીઓને સખી સેન્ટર મોકલી અપાઇ હતી. ત્યાંથી તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે યુવતિઓના જવાની તેમને ખબર હોવાનું કહ્યું હતું. આ ઘટનામાં ઝડપાયેલ શખ્સ અંગે માહિતી એકઠી કરાઇ રહી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
