News of Monday, 10th June 2024
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે હજારો જવાન તૈનાત
તેમ છતાં હજુ 20 હજાર વધુ જવાનોની જરૂરઃ એનએસજી કમાંડો અને ડ્રોન પણ ખડેપગે નિગેહબાની કરશે

જમ્મુ,તા. 10: આ વખતની અમરનાથ યાત્રા પર કોઇ આતંકી ખતરો છે કે નહીં તે બાબતે પ્રશાસન અને ગૃહમંત્રાલય ભલે મૌન હોય પણ હજારો જવાનોની તહેનાતી વચ્ચે 20 હજાર વધુ સૈનિકોની માંગણી આ બાબતે ચિંતા જરૂર ઉભી કરે છે. એટલું જ નહીં આ જોખમ પ્રત્યે શંકા એ કારણે પણ છે કેમ કે આ વખતે પણ અમરનાથ યાત્રામાં સામેલ થનારાઓની સુરક્ષા માટે એનએસજી કમાન્ડો તહેનાત થશે અને ડ્રોનની મદદ પણ લેવાશે.
29 જૂનથી શરૂ થઇ રહેલ અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયના સીનીયર અધિકારીઓની ટીમને કાશ્મીરમાં ધામા નાખવાની સુચના ગૃહપ્રધાન દ્વારા અપાઇ છે.
સુત્રો અનુસાર, અમરનાથ યાત્રા દરમ્યાન આતંકી હુમલાની શકયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એનએસજી કમાન્ડોની કેટલીય ટુકડીઓને કાશ્મીરમાં તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીનગર શહેર ઉપરાંત દક્ષિણ કાશ્મીરમાં પણ આ જવાનોને તહેનાત કરવામાં આવશે. સુરક્ષાના કારણોસર તેમનું લોકેશન ગુપ્ત રાખવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીઓમાં આતંકીઓ દ્વારા કંઇ ન કરી શકાયા થી પરેશાન પાકિસ્તાનના બદઇરાદાઓના કારણે આ જોખમ દેખાઇ રહ્યું છે.
અમરનાથ યાત્રાને સુરક્ષિત સંપન્ન કરવા માટે સુરક્ષાદળોએ રણનીતિ તૈયાર કરી લીધી છે. યાત્રા માર્ગ પર સ્થિત બેઝ કેમ્પો ઉપરાંત 300 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર હાઇવે પર મલ્ટી ટાયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. સુરક્ષાના પહેલા ઘેરામાં સીઆરપીએફ, બોર્ડર સીકયોરીટી ફોર્સના જવાનો તહેનાત રહેશે. બીજા ઘેરામાં રાજ્ય પોલીસ અને ત્રીજામાં સૈન્યના જવાન તહેનાત રહેશે. આતંકી હુમલા અથવા આપત્તિના સમયે સેનાના જવાનો ત્રીજા ઘેરામાંથી આવીને પહેલા ઘેરાની કમાન સંભાળી લેશે. આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓના વાહનો પર નજર રાખવા માટે તેમણે જીપીએસ અને આરએફઆઇડી ટેકનીકથી સજ્જ કરાઇ રહ્યા છે. સીઆરપીએફના જવાનો જીપીએસ ટેકનીકનું સંચાલન કરશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
