<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

NEET પરીક્ષા રદ નહીં થાય: સુપ્રીમકોર્ટે કાઉન્સેલિંગ પર પણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો; NTA પાસેથી જવાબ માંગ્યો

NEET-UG 2024ને રદ્દ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરેલી હતી: કોર્ટે પરીક્ષા રદ કરવાની માંગને ફગાવી દીધી:કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવશે નહીં.

નવી દિલ્હી. મેડિકલ એડમિશન સંબંધિત NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ) પરીક્ષામાં ગેરરીતિના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. NEET-UG 2024ને રદ્દ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે પરીક્ષા રદ કરવાની માંગને ફગાવી દીધી હતી. તે જ સમયે, કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવશે નહીં.

  સુનાવણી દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે પરીક્ષાની પવિત્રતા પર અસર પડી છે. તે જ સમયે, કોર્ટે આ સમગ્ર મામલે NTAને નોટિસ પાઠવી છે 

   વિદ્યાર્થીઓની મદદ અને લાભ માટે કામ કરતી સંસ્થાના બે સભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET પેપર લીકના સમાચારથી તેઓને આંચકો લાગ્યો છે કારણ કે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ડોક્ટર બનવાની તક ગુમાવી દીધી છે .

  પિટિશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “અરજીકર્તાઓ પીડિત વિદ્યાર્થીઓને ન્યાય આપવાના ઉદ્દેશ્યથી જ હાલની અરજી દાખલ કરી રહ્યા છે, જેમણે પોતાના પરિવારની મદદથી NEET, 2024ની તૈયારીમાં પોતાનો બધો સમય, મહેનતના પૈસા અને શક્તિનો વ્યય કર્યો છે. પરંતુ તેમને સમાન તકો આપવામાં આવી ન હતી.

 અરજી અનુસાર કેટલાક વિદ્યાર્થીઓએ 718 અને 719 માર્કસ મેળવ્યા છે, જે આંકડાકીય રીતે શક્ય નથી. પરીક્ષાનું સમગ્ર સંચાલન આડેધડ અને મનસ્વી રીતે અને વિદ્યાર્થીઓને પાછલા બારણે પ્રવેશ આપવાના દૂષિત ઈરાદા સાથે કરવામાં આવ્યું હતું.

(12:00 PM IST)