<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જમ્‍મુ હુમલામાં ત્રણ પાકિસ્‍તાની આતંકવાદીઓ સામેલઃ અમેરિકન M-4 રાઈફલનો કરાયો હતો ઉપયોગ

આતંકીઓની શોધખોળ ચાલુ : જંગલોમાં છુપાયા હોવાની આશંકા

 

નવી દિલ્‍હી તા. ૧૧ : શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં લશ્‍કર-એ-તૈયબાના ત્રણ પાકિસ્‍તાની આતંકવાદીઓ સામેલ હતા. લશ્‍કર કમાન્‍ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા છે. આતંકીઓએ હુમલામાં અમેરિકન એમ-૪ રાઈફલ્‍સનો ઉપયોગ કર્યો હતો. ચોથા આતંકીની હાજરીની પણ આશંકા છે.

આતંકવાદીઓની શોધમાં રિયાસી અને રાજોરીના જંગલોમાં ડ્રોન અને સ્‍નિફર ડોગ્‍સની મદદથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી  અને રાજય તપાસ એજન્‍સીની ટીમે સોમવારે સ્‍થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ અધિકારીઓએ જણાવ્‍યું કે, બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રત્‍યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર ચોથો આતંકવાદી હુમલાખોરોને કવર પૂરો પાડી રહ્યો હતો. એવી આશંકા છે કે રિયાસી અને રાજોરીને અડીને આવેલા જંગલોની ઊંચી ટેકરીઓ પરની ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

રવિવારે થયેલા હુમલામાં બસમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા. જેમાંથી ત્રણ ઉત્તર પ્રદેશના અને ચાર રાજસ્‍થાનના હતા. બસના ડ્રાઈવર અને કંડક્‍ટર રિયાસીના હતા. રાજસ્‍થાનના તમામ મૃતકો એક જ પરિવારના હતા. મૃતકોમાંથી પાંચના શરીર પર ગોળીઓના નિશાન હતા. ૪૧ ઘાયલોમાંથી ૧૦ને ગોળી વાગી હતી.જમ્‍મુ-કાશ્‍મીરના લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે

(2:07 PM IST)