<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અન્‍યાયી ધરપકડમાંથી અમૃતપાલસિંઘને છોડાવો

અમેરિકન વકીલની કમલા હેરીસને દરમ્‍યાનગીરી કરવા વિનંતી

નવી દિલ્‍હી તા. ૧૧: લોકસભામાં ખાલિસ્‍તાન સમર્થક અમૃતપાલ સિંઘની જીત પછી અમેરિકન શીખ વકીલ જસપ્રીતસીંઘે અમેરીકન ઉપરાષ્‍ટ્રપતિ કલાક હેરીસનો સંપર્ક સાધ્‍યો છે અને તેને જેલમાંથી છોડવવા વિનંતી કરી છે. અમૃતપાલસિંઘ, આતંકવાદના આરોપ હેઠળ આસામીની દિબ્રુગઢ જેલમાં હોવા છતાં, ર૦ર૪ની લોકસભા ચુંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ગયો છે.

‘‘વારીસ પંજાબ દે''નો વડો અમૃતપાલસિંઘ એપ્રિલ ર૦ર૩માં પંજાબના મોગામાંથી પકડાયો હતો. એ એક મહિનાથી નાસતા ફરતો હતો. પંજાબ પોલીસે તેના વિરૂધ્‍ધ એનએસએની કલમો લગાવી હતી.

જસપ્રીતસિંઘનું કહેવું છે કે તેણે સમગ્ર કેસનો ઉંડો અભ્‍યાસ કર્યો છે અને તેનું માનવું છે કે અમૃતપાલ સિંઘની ધરપકડ અન્‍યાયી છે. અમૃતપાલ સિંઘને છોડવા માટે ભારત સરકાર પર દબાણ લાવવા અમેરિકાના ૧૦૦ સાંસદોને ભેગા કરવાની તેની યોજના છે.

એક યુ ટયુબ વીડીયોમાં જસપ્રિત સિંઘે કહ્યું, છેલ્લા ર-૩ મહિનામાં હું કમલા હેરિસને બે વાર મળ્‍યો છું. મેં તેમની સાથે ઇમીગ્રેશન મુદ્દાઓ પર વાત કરી છે. તેમણે મને તેમની ઓફીસે મળવા માટેનો સમય આપ્‍યો છે. હું તેમને ૧૧ જૂન મંગળવારે મળવાનો છું.''

અમૃતપાલ સિંઘે કોંગ્રેસના ઉમેદવાર કુલબીરસીંઘને લગભગ ર લાખ મતોથી હરાવ્‍યા હતા.

(4:51 PM IST)