<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

૨૮ લાખ સ્‍કવેર ફૂટમાં બનશે દેશનો સૌથી મોટો મોલ : તે પણ એરપોર્ટની ઉપર : એક સાથે પાર્ક કરી શકાશે ૮૦૦૦ કાર !

લગભગ ૨૧ હજાર કરોડના ખર્ચે બની રહેલો આ મોલ ૨૦૨૭ સુધીમાં તૈયાર થઇ જશે

નવી દિલ્‍હી તા. ૧૨ : દેશમાં મોલ કલ્‍ચર ઘટી રહ્યું છે અને ઘણા મોલ વેરાન પડ્‍યા છે. પરંતુ, આ સમાચાર તમારી વિચારસરણી બદલી નાખશે કારણ કે ફરી એકવાર દેશનો સૌથી મોટો મોલ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. દેશમાં પહેલાથી જ ઘણા મોલ બનાવવામાં આવ્‍યા છે. આમાં સૌથી મોટો મોલ કોચીમાં બનેલો લુલુ મોલ છે. તે માત્ર દેશનો નહીં પરંતુ એશિયાના સૌથી મોટો મોલમાં બીજા સ્‍થાને આવે છે. હવે જે નવો મોલ બનશે તે આના કરતા પણ ઘણો મોટો હશે અને સૌથી મહત્‍વની વાત એ છે કે આ વખતે એરપોર્ટ પર મોલ બનાવવામાં આવી રહ્યો છે.

દેશનો હાલ સૌથી મોટો મોલ લગભગ ૨૧.૧૧ લાખ ચોરસ ફૂટનો છે. કોચીમાં સ્‍થિત આ લુલુ મોલમાં લગભગ ૩૦૦ સ્‍ટોર છે. નોઈડાના ગ્રેટ ઈન્‍ડિયા પ્‍લેસ અને ડીએલએફ મોલ ઓફ ઈન્‍ડિયા પણ સૌથી મોટા મોલ્‍સની યાદીમાં સામેલ છે. જો કે, નવો મોલ બનાવવામાં આવશે જે આ બધા કરતા ઘણો આગળ હશે અને ત્‍યાં સ્‍ટોર્સ ઉપરાંત અન્‍ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.

જો વાત કરીએ દેશના સૌથી મોટા મોલની તો એક રિપોર્ટ અનુસાર, આ મોલ ઈન્‍દિરા ગાંધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ એરોસીટી (IGI એરપોર્ટ)ની સાથે બનાવવામાં આવી રહ્યો છે. ૨.૫ અબજ ડોલર (લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે બની રહેલો આ મોલ વર્ષ ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે. આ દેશનો પહેલો એરોટ્રોપોલિસ મોલ પણ હશે.

દિલ્‍હી એરપોર્ટ પર બનેલા આ મોલની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશનો હાલનો સૌથી મોટો મોલ ૨૧.૧૧ લાખ ચોરસ ફૂટનો છે, જયારે નવો મોલ ૨૮ લાખ ચોરસ ફૂટનો બનશે. મતલબ કે તે લગભગ ૭ લાખ સ્‍ક્‍વેર ફીટ જેટલું મોટું હશે. એટલું જ નહીં, ઓફિસ, રિટેલ, ફૂડ કોર્ટ અને મનોરંજન માટે એરપોર્ટની આસપાસ કુલ ૧.૮૦ કરોડ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવશે. નવો મોલ હાલમાં દિલ્‍હીના વસંત કુંજમાં બનેલા મોલ કરતા લગભગ બમણો હશે.

દેશનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહેલી ભારતી રિયાલિટીના MD અને CEO એસકે સાયલ કહે છે કે આ મોલ બનાવતા પહેલા અમે વિશ્વભરમાં અમારી ટીમ મોકલીને શ્રેષ્ઠ સુવિધાઓ તૈયાર કરવાની યોજના બનાવી છે. આ એરોસિટી વર્ષ ૨૦૨૯ સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે અને લગભગ ૨૦ લાખ લોકો અહીં કામ કરશે, જયારે દિલ્‍હી એરપોર્ટની વાર્ષિક ક્ષમતા વધીને ૧૪ કરોડ થઈ જશે. આ માટે એરપોર્ટ પર બીજું ટર્મિનલ વિકસાવવામાં આવશે. મોલની નીચે અંડરગ્રાઉન્‍ડ પાર્કિંગમાં એક સાથે ૮,૦૦૦ કાર પાર્ક કરી શકાશે.

(10:09 AM IST)