<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

બેંકના કર્મચારીઓ માટે ખુશખબર : ૧૫.૯૭ ટકાના દરથી ડીએ મળશે

ફાઇવ-ડે વીકના નિર્ણયની જોવાતી રાહ

મુંબઇ તા. ૧૨ : બેન્‍ક કર્મચારીઓ માટે મંગળવારનો દિવસ મોટી ખુશખબર લઈને આવ્‍યો છે. તેમના મોંઘવારી ભથ્‍થામાં ભારે વધારાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈંડિયન બેન્‍ક ઓસોસિએશન તરફથી બેન્‍ક કર્મચારીઓ અને અધિકારીઓને મે, જૂન અને જૂલાઈ મહિના માટે ૧૫.૯૭ ટકાના દરથી ડીએ મળશે. આ સંબંધમાં એક સર્કુલર પણ જાહેર કરીને આઈબીએ જાણકારી શેર કરી છે. એટલે કે આ મહિનાની સેલરીમાં બંપર વધારો જોવા મળશે.

ઈંડિયન બેન્‍ક એસોસિએશને પોતાના સર્કુલરમાં કહ્યું કે, બેન્‍ક કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત કરી દેવામાં આવી છે. મે, જૂન, જૂલાઈ ૨૦૨૪ માટે બેન્‍ક કર્મચારીઓ અને અધિકારીઓના મોંઘવારી ભથ્‍થા તેમના પગારમાં ૧૫.૯૭ ટકા હશે. તેની સાથે જ સર્કુલરમાં કહેવાયું છે કે, તારીખ ૦૮ માર્ચ ૨૦૨૪ના ૧૨માં દ્વિપક્ષીય કરારના ખંડ ૧૩ અને સંયુક્‍ત નોટના ખંડ ૨ (i) અનુસાર, મોંઘવારી ભથ્‍થામાં વધારો કર્યો છે.

IBA મુજબ, CPI ૨૦૧૬ માં ૧૨૩.૦૩ પોઈન્‍ટના દરેક બીજા દશાંશ સ્‍થાનના ફેરફાર માટે, પગાર પર DAમાં ૦.૦૧%નો ફેરફાર છે. તેના આધારે મે, જૂન અને જુલાઈ ૨૦૨૪ માટે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જો આપણે માર્ચ ૨૦૨૪ ના અંત સુધી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટા પર નજર કરીએ, તો તે જાન્‍યુઆરીમાં ૧૩૮.૯, ફેબ્રુઆરીમાં ૧૩૯.૨ અને માર્ચમાં ૧૩૮.૯ હતો. તેનો અર્થ એ કે સરેરાશ CPI ૧૩૯ છે અને જો નિયમો મુજબ ગણતરી કરવામાં આવે તો CPI ૨૦૧૬ના ૧૨૩.૦૩ કરતા ૧૫.૯૭ પોઈન્‍ટ વધુ છે.

બેન્‍ક કર્મચારીઓને ડીએમાં વધારાની ગિફટ તો મળી ગઈ છે. પણ તેમની વધું એક માગ પર નિર્ણય લેવાનો બાકી છે અને તે લાંબા સમયથી અટકેલો છે. હકીકતમાં જોઈએ તો, બેન્‍ક કર્મચારીઓ લાંબા સમયથી અઠવાડીયાના કામના દિવસો ૫ કરવાની માગ કરી રહ્યા છે. ભારતીય બેન્‍ક સંઘ અને બેન્‍ક યૂનિયનોએ આ પ્રસ્‍તાવ પર પહેલા જ પોતાની સહમતી વ્‍યક્‍ત કરી હતી. પણ હજુ તે પ્રપોઝલ સરકારની મંજૂરીની રાહમાં છે.

આ જ વર્ષે માર્ચ મહિનામાં કરવામાં આવેલા સંયુક્‍ત એલાનમાં કહેવાયું છે કે, આઈબીએ અને બેન્‍ક યૂનિયનોમાં આ કરાર પીએસયૂ બેન્‍ક કર્મચારીઓ માટે અઠવાડીયામાં ૫ દિવસ કામનો માર્ગ મોકળો બનાવામાં મહત્‍વની ભૂમિકા નિભાવશે. જોઈન્‍ટ નોટમાં મહિનાના તમામ શનિવારે બેન્‍ક રજા તરીકે માન્‍યતા આપી છે. ભારતીય રિઝર્વ બેન્‍કે બેન્‍કો માટે ન્‍યૂનતમ કામના કલાકો અને ગ્રાહક સર્વિસ ટાઈમ લિમિટ નક્કી કરી છે. જેનું પાલન કરવું ફરજિયાત છે.

(1:44 PM IST)