<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

હવે ખરેખર બે ટંકની રોટલી પણ થશે મોંઘી

ઘઉંનો સ્‍ટોક ૧૬ વર્ષમાં સૌથી ઓછો

નવી દિલ્‍હી, તા.૧૨: દેશનો દરેક પરિવાર બીજું કંઈ ખાઈ શકે કે નહીં પણ બે ટંકની રોટલીને ગોળ કે શાક ખાઈ લે તેવી વ્‍યવસ્‍થા જો તમામ સંબંધિત એજન્‍સીએ કરવી જોઈએ, પરંતુ રોજ એક યા બીજી વસ્‍તુના ભાવ વધ્‍યાની ખબરો આવ્‍યા કરે છે. દૂધ, દહીં, શાકભાજીથી માંડી શિક્ષણ અને આરોગ્‍યની સેવાઓમાં થતી મોંઘવારી માત્ર ગરીબ અને મધ્‍યમવર્ગ નહીં પણ ઠરીઠામ થયેલા પરિવારોને પણ કનડી રહી છે. ત્‍યારે હવે વધુ એક અત્‍યંત જરૂરી વસ્‍તુનો ભાવ વધવાની શકયતા છે.

કહેવાનું માનીએ તો આગામી દિવસોમાં ઘઉંનો લોટ મોંઘો થઈ શકે છે. ઘઉંન લોટ છેલ્લા એક વર્ષમાં આઠ ટકા મોંઘો થયો છે. છેલ્લા ૧૫ દિવસમાં કિંમતોમાં સાત ટકાનો વધારો થયો છે, જે આગામી ૧૫ દિવસમાં વધુ સાત ટકા વધી શકે છે. સરકારી સ્‍ટોર્સમાં ત્રણ મહિનાનો (૧૩૮ લાખ ટન) ઘઉંનો સ્‍ટોક હંમેશા હોવો જોઈએ. પરંતુ આ વખતે ખરીદીની સિઝન શરૂ થાય તે પહેલા તે માત્ર ૭૫ લાખ ટન સ્‍ટોક હતો. અગાઉ ૨૦૦૭-૦૮માં તે ૫૮ લાખ ટન હતો એટલે કે ઘઉંનો સ્‍ટોક હવે ૧૬ વર્ષમાં સૌથી નીચા સ્‍તરે છે.

આ સ્‍ટોક ૨૦૨૩માં ૮૪ લાખ ટન, ૨૦૨૨માં ૧૮૦ લાખ ટન અને ૨૦૨૧માં ૨૮૦ લાખ ટન હતો. રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી વિશ્વમાં ઘઉંનો સરકારી સ્‍ટોક ઘટી રહ્યો છે. સરકારે અત્‍યાર સુધીમાં કુલ ૨૬૪ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, પરંતુ સરકારનો લક્ષ્યાંક ૩૭૨ લાખ ટન છે. જેના કારણે ખરીદીનો સમય પણ ૨૨મી જૂન સુધી લંબાવવામાં આવ્‍યો છે, પરંતુ ખરીદ કેન્‍દ્રોમાં માત્ર ન બરાબર જ ઘઉં આવી રહ્યા છે. આવી સ્‍થિતિમાં ‘મફત અનાજ યોજના' અને બીપીએલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘઉંની તાત્‍કાલિક આયાત કરવી પડી શકે છે. ભારતે છેલ્લે ૨૦૧૭-૧૮માં ઓસ્‍ટ્રેલિયા અને યુક્રેનમાંથી ૧૫ લાખ ટન ઘઉંની આયાત કરી હતી. ૨૦૨૧-૨૨માં કુલ ૮૦ લાખ ટન, ૨૨-૨૩માં ૫૫ લાખ ટન અને ૨૦૨૩-૨૪માં પાંચ લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી.

બીજી તરફ ભાવમા વધારો કેમ જેમાં ઘઉંના પાક ચક્ર દરમિયાન ધુમ્‍મસ અને પવનને કારણે તેની પ્રતિ એકર ઉત્‍પાદકતામાં પાંચ ક્‍વિન્‍ટલનો ઘટાડો થયો છે. સામાન્‍ય સ્‍થિતિમાં ઉપજ ૨૦ ક્‍વિન્‍ટલ સુધી હોય છે. મધ્‍યપ્રદેશમાં ગત વખત કરતા ૨૨.૬૭ લાખ ટન ઓછી ખરીદી થઈ છે.

લોટના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે વેપારીઓ પર સ્‍ટોક લિમિટ લાદી હતી. તેઓ ૫૦૦૦ ક્‍વિન્‍ટલથી વધુ સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે વેપારીઓ પાસે ઘઉં નથી. દર વર્ષે તેમની પાસે જૂના ઘઉં હોય છે. એટલા માટે તેઓ ઘઉંની પણ વધુ ખરીદી કરી રહ્યા છે.ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે વર્ષમાં ઘણી વખત ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કર્યું હતું. જેના કારણે સરકારી સ્‍ટોકમાં ઘટાડો જોવા મળ્‍યો હતો.સેન્‍ટર ફોર મોનિટરિંગ ઈન્‍ડિયન ઈકોનોમી અનુસાર, દેશમાં ૨૦૨૩-૨૪માં ૧૧૨ મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્‍પાદન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે લગભગ ૧૧૦ મિલિયન મેટ્રિક ટન હતો. એટલે કે તે વધીને ૨૦ લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે.

(2:41 PM IST)