તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી આતંકી હુમલો:સેના અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસમાં ચોથી વખત અથડામણ
ફાયરિંગમાં એક જવાન ઘાયલ:ગઈકાલે સાંજથી આતંકવાદીઓ દ્વારા આ ત્રીજો અને જમ્મુ ક્ષેત્રમાં રવિવાર પછીનો ચોથો હુમલો

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે ફરી આતંકી હુમલો થયો છે. હુમલા બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં આ ચોથી એન્કાઉન્ટર છે.
ગઈકાલથી ડોડા વિસ્તારમાં આ બીજી એન્કાઉન્ટર છે. આ પહેલા થયેલા એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયો હતો. 9 જૂનના રોજ, આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો જેમાં નવ લોકો માર્યા ગયા હતા. આ સિવાય કઠુઆ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
આ પહેલા જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક સરહદી ગામમાં છુપાયેલા એક આતંકવાદીને બુધવારે સુરક્ષા દળોએ 15 કલાકથી વધુ ચાલેલા ઓપરેશનમાં ઠાર માર્યો હતો. આ દરમિયાન અન્ય એક આતંકવાદી પણ માર્યો ગયો હતો. જો કે આ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન પણ શહીદ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈદા સુખલ ગામમાં બે આતંકવાદીઓ જોવા મળ્યા બાદ મંગળવારે રાત્રે શરૂ થયેલા ઓપરેશન દરમિયાન બે વરિષ્ઠ અધિકારીઓ સુરક્ષિત રીતે ભાગી ગયા હતા. જોકે, તેમના વાહનોને ગોળીઓ વાગી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓએ ડોડા જિલ્લાના ભદરવાહ-પઠાણકોટ રોડ પર ચત્રાગાલાના ઉપરના વિસ્તારમાં સંયુક્ત ચેકપોસ્ટ પર હુમલો કર્યો, જેમાં પાંચ રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ઘાયલ થયા. આતંકવાદીઓને શોધવાના ઓપરેશનને કારણે હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
રવિવારે રિયાસીમાં શિવ ઘોડી મંદિરથી કટરા તરફ યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ઘટનાઓ બની છે. બે દિવસ પહેલા થયેલા આ હુમલામાં બસ રોડ પરથી ઉંડી ખીણમાં પડી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. પોલીસે બસ હુમલામાં સામેલ આતંકવાદીઓના ઠેકાણા વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે અને આતંકવાદીનો 'સ્કેચ' પણ બહાર પાડ્યો છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
