<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

IT રિટર્ન ભરવામાં દોઢ માસ બાકી છતાં હજુ ૨૬ એએસમાં વિગતો અધૂરી

૨૬ એએસના આધારે જ કરદાતાઓ દ્વારા ભરવામાં આવતુ આઇટી રિટર્ન

મુંબઇ,તા. ૧૩: ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાને આડે દોઢ મહિનાનો સમય બાકી હોવા છતાં હજુ પણ ૨૬ એઆઇએસ ફોર્મમાં અનેક વિગતો દર્શાવવામાં આવતી નથી. તેના કારણે કરદાતાઓને આઇટી રિટર્ન ભરવામાં સમસ્‍યા સર્જાઇ શકે છે.

એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થતાની સાથે જ ચાલુ વર્ષે તો આઇટી રીટર્નનના ફોર્મ બહાર પાડી દીધા હતા. પરંતુ ટીડીએસની વિગતો જૂન માસમાં જ આવતી હોવાના કારણે ટીડીએસ વગર મોટાભાગની વિગતો ભરીને રિટર્ન ભરવાની તૈયારી કરવામાં આવતી હોય છે. ટીડીએસની વિગતો આવ્‍યા બાદ જ રિટર્ન ભરવામાં આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે જૂન મહિનામાં ૧૨ દિવસ વતી ગયા હોવા છતાં હજુ પણ આઇટી પોર્ટલ પર ૨૬ એઆઇએસ (એન્‍યુઅલ ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ)ની વિગતો જ અધૂરી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે તેમાં કેટલીક બેંકના, ખરીદીની વિગતો જ આવી નથી. તે માટે જાણકારોનું કહેવું છે કે ટેકનિકલ કારણો હોઇ શકે છે અથવા તો વિભાગને જેના દ્વારા વિગતો આપવાની હોય તે વિગતો હજુ પણ આપી નહીં હોવાના લીધે આવી પરિસ્‍થિતી ઉભી થઇ છે. જો કે આગામી દિવસોમાં તેનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવે તો જ આઇટી રિટર્ન ભરવા માટે પુરતો સમય મળી શકે તેમ છે. કારણ કે છેલ્લા દિવસોમાં જ આ વિગતો આપવામાં આવે તો આઇટી રિટર્ન ભરવામાં તકલીફ ઉભી થઇ શકે તેમ છે. આ માટે જ આઇટી રિટર્ન ભરવાની મુદત લંબાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવતી હોય છે. જો કે ગત નાણાકીય વર્ષમાં આઇટી રિટર્ન ભરવાની મુદ્દત લંબાવવામાં આવી નહીં હોવાના લીધે ચાલુ વર્ષે પણ તેની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી શકયતા ઓછી હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.

(11:07 AM IST)