<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ત્રણ જ મહિનામાં રોજબરોજની ચીજોમાં ભાવ ૨ ટકાથી ૨૦ ટકા સુધી વધી ગયા

દૂધ, શાકભાજી અને કરિયાણાના ભાવ વધતા સામાન્‍ય લોકો પર બોજો વધ્‍યો હજુ પણ ગરમી રહેતી હોવાથી જીવન જરૂરી વસ્‍તુઓના ભાવમાં થોડો વધારો થવાની શકયતા

નવી દિલ્‍હી,તા. ૧૩: વિતેલા ૩ મહિનામાં જીવન જરૂરી વસ્‍તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે સામાન્‍ય લોકોના ખિસ્‍સા પર ભારણ વધ્‍યું છે. આ ત્રણ મહિનાના ગાળામાં અનાજ, કરિયાણા, દૂધ અને શાકભાજી સહિતની રોજીંદી જરૂરિયાતની વસ્‍તુઓના ભાવમાં ૨%થી લઇને ૨૦% સુધીનો વધારો થયો છે. જેના કારણે સામાન્‍ય લોકોનું ઘરનું બજેટ પણ વધ્‍યું છે. ડીપાર્ટમેન્‍ટ ઓફ કન્‍ઝયુમર અફેર્સ, ફુડ એન્‍ડ પબ્‍લિક ડીસ્‍ટ્રિબ્‍યુશન દ્વારા નોંધવામાં આવતા રોજીંદા ભાવ પ્રમાણે ગુજરાતમાં દાળ, ખાંડ, દૂધ, ખાદ્યતેલ, ચોખા, લોટા, બટાકા અને ટમેટા જેવી વસ્‍તુઓના ભાવ માર્ચની સરખામણીએ જૂનમાં વધ્‍યા છે. જોકે આ સમયમાં અમુક વસ્‍તુના ભાવમાં ઘટાડો પણ થયો છે.

ડીપાર્ટમેન્‍ટના આંકડા પ્રમાણે ગુજરાતમાં એક કિલો તુવેર દાળમાં ભાવ જે પહેલા રૂા. ૧૪૭ હતા તે અત્‍યારે રૂા. ૧૭૦ મળી રહી છે. તેવી જ રીતે ચણા દાળ રૂા. ૮૦ થી વધી રૂા. ૮૭.૮૮ ની થઇ છે. દુધના ભાવમાં તાજેતરમાં જ લીટરે રૂા. ૨નો વધારો થયો છે. બટાકાના ભાવ અગાઉ રૂા.૨૨-૨૪ હતા તે અત્‍યારે રૂા. ૨૮-૩૦માં મળી રહ્યા છે. ડીપાર્ટમેન્‍ટ જીવન જરૂરી ૨૨ વસ્‍તુઓના ભાવને મોનીટર કરે છે. આમાંથી ૧૬ ચીજવસ્‍તુઓના ભાવમાં વધારો થયો છે. જ્‍યારે ૫ વસ્‍તુઓના ભાવમાં ઘટાડો થયો છે. અને ૧ના ભાવ સ્‍થિર છે. એક પબ્‍લિક સેકટર બેંકના ઇકોનોમિસ્‍ટના જણાવ્‍યા પ્રમાણે ગરીમીની મોસમમાં શાકભાજી અને ફળ જેવી ઝડપથી બગડી જાય તેવી વસ્‍તુઓના ભાવ વધતા હોય છે. આ ઉપરાંત કઠોળમાં ભાવ ઉંચકાયા હતા. હજુ પણ ગરમી વધવાની સંભાવનાને જોતા આગામી દિવસોમાં ફુડ ઇન્‍ફલેશનમાં વધારો થવાની શકયતા છે. જીવન જરૂરી વસ્‍તુઓના ભાવ વધી જવાથી ગૃહિણીઓના માસિક ખર્ચમાં રૂા. ૨૦૦-૩૦૦નો વધારો થયો છે. તાજેતરમાં દુધના ભાવ  લીટરે રૂા. ૨ વધ્‍યા તેના કારણે એક પરિવારનું રોજનું ૨ લીટર દૂધ આવતુ હોય તો તેમનું માસિક બીલ પહેલા અંદાજે રૂા. ૩૬૦૦ આવતુ હોય તે અત્‍યારે ૩૭૨૦ આવે છે તેવી જ રીતે કરિયાણા અથવા રસોઇની વસ્‍તુઓનું માસિક બીલ પહેલા અંદાજે રૂા ૬૦૦૦ આસપાસ આવતુ હતુ તે હવે વધીને રૂા. ૬૩૦૦ જેટલુ આવે છે.

 ત્રણ મહિનામાં રોજિંદી વસ્‍તુઓના ભાવમાં થયેલો ફેરફાર

વસ્‍તુ                 ૬ માર્ચ ૧૨ જૂન વધારો/ ઘટાડો

દૂધ                  ૫૯.૮૯ ૬૨      ૩%

ચોખા                ૪૨.૮૬ ૪૩.૧૩  ૧%

ઘઉં                  ૩૫.૪૩ ૩૭.૮૮  ૬%

ઘઉંનો લોટ          ૩૮.૪૩ ૪૦.૬૩  ૫%

ચણા દાળ           ૮૦     ૮૭.૮૮  ૯ %

તુવેર                ૧૪૭.૨૯         ૧૭૦.૨૫        ૧૩%

અડદ દાળ          ૧૨૧.૫૭         ૧૨૬.૧૩        ૪%

મગ દાળ            ૧૧૨.૭૧         ૧૧૮.૩૮        ૫%

મસૂર દાળ           ૯૦.૮૬ ૯૨.૭૫  ૨%

ખાંડ                 ૪૧.૪૩ ૪૩.૧૩  ૪%

સરસવનું તેલ (પેકડ)       ૧૩૯.૪૩ ૧૪૪.૩૮       ૩%

સૂર્યમુખી તેલ (પેકડ)        ૧૨૩.૫૭ ૧૨૫.૩૮       ૧%

ગોળ                 ૫૧     ૫૩.૮૬  ૫%

મીઠું                 ૧૫.૫૭ ૧૬.૬૩  ૬%

બટાટા               ૨૩.૫૭ ૨૯.૫૭  ૨૦ %

ટામેટા               ૩૧.૨૯ ૩૯.૨૯  ૨૦%

મગફળીનું તેલ (પેકડ)      ૧૮૫.૪૩ ૧૭૮   -૪%

વનસ્‍પતિ (પેકડ)    ૧૩૦.૭૧         ૧૨૮.૬૩        -૨ %

સોયા તેલ (પેકડ)   ૧૩૦.૨૯         ૧૨૯.૬૩        -૧%

ચા લુઝ             ૨૬૦.૧૪         ૨૫૧.૪ -૩%

ડુંગળી               ૩૫.૭૧ ૩૩.૮૬  -૫%

પામ તેલ (પેકડ)   ૧૦૪.૪૩       ૧૦૪.૫   ૦૦%

સોર્સઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ કન્‍ઝયુમર અફેર્સ

દૂધના ભાવ રૂ/ લીટર, અન્‍ય વસ્‍તુ રૂા./ કિલો

(12:04 PM IST)