<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અમેરિકામાં આવશે ૯ની તીવ્રતાનો ભૂકંપ : ૧૦૦ ફુટ ઉંચા મોજા ઉછળશે : ૧૦,૦૦૦ લોકોના મોત થશે

વૈજ્ઞાનિકોનો અભ્‍યાસ ખળભળાટ મચાવે છે : વેંકુવર - વોશીંગ્‍ટન - ઓરેગોન - સેન ફ્રાન્‍સીસ્‍કો ઉપર ભૂકંપનું જોખમ : ભારે તબાહી લાવશે

નવી દિલ્‍હી, તા.૧૩: અમેરિકાના પશ્‍ચિમ કિનારે સમુદ્રની નીચે અંડરવોટર ફોલ્‍ટ લાઇન છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ ફોલ્‍ટલાઈન કોઈપણ દિવસે ભયાનક ભૂકંપ અને સુનામીનું કારણ બની શકે છે. આ ફોલ્‍ટ લાઇન ૬૦૦ માઇલ એટલે કે લગભગ ૯૬૬ કિલોમીટર લાંબી છે. દક્ષિણ કેનેડાથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી.

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ દરિયાઈ વિસ્‍તારનો નકશો બનાવ્‍યો છે. પાણીની અંદર મેપિંગ કર્યું. આ વિસ્‍તારને કાસ્‍કેડિયા સબડક્‍શન ઝોન કહેવામાં આવે છે. સામાન્‍ય રીતે ફોલ્‍ટ લાઇન બે ભાગમાં વહેંચાયેલી હોય છે. પરંતુ આ ફોલ્‍ટ લાઇન ચાર ભાગમાં વહેંચાઈ રહી છે. આ મોટા જોખમની નિશાની છે.

જો અહીં ટેક્‍ટોનિક પ્‍લેટ્‍સમાં સહેજ પણ હિલચાલ થાય છે, તો આ ફોલ્‍ટ લાઇન જમીનની ઉપરની સપાટી પર મોટા પ્રમાણમાં વિનાશનું કારણ બનશે. જેના કારણે એક પછી એક ભૂકંપના વધુ તીવ્રતાના આંચકા આવવાની સંભાવના છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કાસ્‍કેડિયા સબડક્‍શન ઝોનમાં એટલી તાકાત છે કે તે ૯ થી વધુ તીવ્રતાનો ભૂકંપ લાવી શકે છે.

કેલિફોર્નિયાની સાન એન્‍ડ્રેસ ફોલ્‍ટ લાઇનમાં ૮.૩ની તીવ્રતાનો ભૂકંપ આવવાની શક્‍તિ છે. હવે સવાલ એ થાય છે કે જો અમેરિકાના પશ્‍ચિમ કિનારે ૯ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની શું અસર થશે? કેટલો વિનાશ થશે? અમેરિકાના પશ્‍ચિમ કિનારે ૧૦૦ ફૂટ કે તેથી વધુ ઊંચા સુનામીના મોજા ઉછળશે.

આના કારણે ૧૦ હજાર લોકોના મોતની આશંકા છે. આ સિવાય એકલા ઓરેગોન અને વોશિંગ્‍ટનમાં ૮૦ અબજ ડોલર એટલે કે ૬.૬૮ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. આટલું જ નહીં, આ પછી સ્‍થિર પાણીના કારણે ફેલાતી બીમારીઓને કારણે અનેક લોકોના મોત થશે. અહીં-તહીં વિખરાયેલાં મળતદેહોને કારણે રોગો વધશે

વર્ષ ૨૦૧૧માં જાપાનમાં ભયાનક ભૂકંપ અને સુનામી આવી હતી. આનું કારણ કાસ્‍કેડિયા સબડક્‍શન ઝોન જેવી જ ફોલ્‍ટ લાઇન હતી. જેના કારણે ૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. પછી ભયંકર સુનામી આવી. જેના કારણે જાપાનમાં લગભગ ૨૦ હજાર લોકો માર્યા ગયા હતા. વૈજ્ઞાનિકો ચિંતિત છે કે કાસ્‍કેડિયા સબડક્‍શન ઝોન કંઈક આવું જ કરશે.

સામાન્‍ય રીતે આ ઝોનમાં દર ૫૦૦ વર્ષે આટલો મોટો ભૂકંપ આવે છે. અગાઉનો એક વર્ષ ૧૭૦૦ માં આવ્‍યો હતો. આગામી ભૂકંપ કયારે આવશે તે કહેવું મુશ્‍કેલ છે. પરંતુ જ્‍યારે પણ તે આવશે... તે ભયંકર વિનાશનું કારણ બનશે. કારણ કે કાસ્‍કેડિયાના ચાર ટુકડા તેને અન્‍ય ફોલ્‍ટ લાઇન કરતાં વધુ જોખમી બનાવે છે. અહીં વધુ અભ્‍યાસની જરૂર છે

વોશિંગ્‍ટન યુનિવર્સિટીના જિયોફિઝિસ્‍ટ હેરોલ્‍ડ ટોબિને જણાવ્‍યું હતું કે, અમારે ટાકોમા અને સિએટલ નજીક આ ફોલ્‍ટ લાઇનનો વધુ અભ્‍યાસ કરવો પડશે. જેથી કરીને સાચી તબાહીનો અંદાજ લગાવી શકાય. કાસ્‍કેડિયાનો આ ભાગ અન્‍ય ત્રણ ટુકડાઓની સરખામણીમાં સપાટ અને સરળ છે. જેના કારણે ભવિષ્‍યમાં ભયંકર ભૂકંપ આવી શકે છે.

ટોબિને કહ્યું કે કાસ્‍કેડિયા સબડક્‍શન ઝોનમાંથી આવતી સુનામી વોશિંગ્‍ટનના દરિયાકાંઠાના વિસ્‍તારને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે. તેની અસર આંતરિક વિસ્‍તારોમાં પણ જોવા મળશે. લેમોન્‍ટ ડોહર્ટી અર્થ ઓબ્‍ઝર્વેટરીના દરિયાઈ ભૂ-ભૌતિકશાસ્ત્રી અને આ અભ્‍યાસના મુખ્‍ય સંશોધક સુઝાન કાર્બોટે જણાવ્‍યું હતું કે આ કાસ્‍કેડિયાનો નવો અભ્‍યાસ છે. નવા ડેટા સાથે. અમે ૧૯૮૦ ના દાયકાના જૂના અને નબળા ડેટાનો ઉપયોગ કર્યો નથી.

(4:19 PM IST)