<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

છૂટાછેડા બાદ હજની યાત્રાએ નીકળી ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી

હું મારી જિંદગી બદલવા નીકળી છું : સાનિયા મિર્ઝાઃસાનિયા મિર્ઝા હજ યાત્રા માટે મક્કા પહોંચી : તેણે હજ પહેલા ઉમરાહ કરી અને તે સના ખાન સાથે જોવા મળી

નવી દિલ્હી, તા.૧૩

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હજ માટે રવાના થઈ ચૂકી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટા થયા બાદ સાનિયા મિર્ઝા હજ યાત્રાએ જઈ રહી છે. શોએબ મલિકે જાન્યુઆરીમાં પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ સ્પષ્ટ થયું હતુ કે સાનિયા અને શોએબ અલગ થઈ ચૂક્યા છે.

જો કે તેના પહેલા જ બંને અલગ થયા હોવાના સમાચાર ઝડપથી વાયરલ થયા હતા, જેને મલિકે ત્રીજા લગ્ન કરી સાચા સાબિત કરી દીધા. છૂટાછેડા બાદ અત્યાર સુધી સાનિયા એક પણ વાર ઉદાસ જોવા મળી નથી, પરંતુ કદાચ તેના મનમાં ઉદાસી હોય તો તે આ હજ યાત્રા બાદ ખતમ થઈ જશે. સાનિયા હજ પહેલા બોલીવુડ એક્ટ્રેસ સના સાથે મક્કામાં જોવા મળી હતી. તે દરમિયાન સાનિયા મિર્ઝાની બહેન પણ જોવા મળી હતી. સનાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરતા લખ્યુ હતુ, "ઉમરાહ થઈ ગઈ". જણાવી દઈએ કે, સના ખાન હવે બોલીવુડથી દૂર થઈ ગઈ છે.

હજ માટે જતા પહેલા સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સૌની માફી માંગી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું. "મિત્રો અને સંબંધીઓ, મને હજની પવિત્ર યાત્રા કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. હું મારી જિંદગીમાં બદલાવની યાત્રા પર નીકળી રહી છું અને તમારા બધા પાસે મારી ભૂલ માટે માફી માંગુ છું. હું દુઆ કરું છું કે અલ્લાહ મારી દુઆઓ કબૂલ કરશે અને મારુ માર્ગદર્શન કરશે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. મને તમારી યાદો અને દુઆઓમાં રાખજો. આ મારી જિંદગીની ખૂબ જ ખાસ યાત્રા હશે. મને આશા છે કે, એક હું એક વધુ સારી માણસ બની શકીશ અને મારા સન્માનને મજબૂત કરી શકીશ."

(7:35 PM IST)