<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

આયુર્વેદ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય : ૪૫.૫% શહેરી લોકો તેનો ઉપયોગ કરે છે

૯૫% ગ્રામીણ અને ૯૬% શહેરી લોકો આયુષ વિશે જાણે છે

નવી દિલ્‍હી તા. ૧૪ : ભારતમાં પરંપરાગત તબીબી પ્રણાલીઓની પ્રથા ખૂબ જ મજબૂત છે. આયુષ - આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્‍પા અને હોમિયોપેથી - આ છ મુખ્‍ય તબીબી પ્રણાલીઓ સમગ્ર દેશમાં વ્‍યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

સરકારી ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં, લગભગ ૪૬% ગ્રામીણ અને ૫૩્રુ શહેરી લોકોએ રોગોની રોકથામ અથવા સારવાર માટે આયુષ પદ્ધતિની મદદ લીધી છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે આયુર્વેદ. ગ્રામીણ વિસ્‍તારોમાં ૪૦.૫% અને શહેરોમાં ૪૫.૫્રુ લોકોએ સારવાર માટે આયુર્વેદની પસંદગી કરી.

એક સર્વે મુજબ છેલ્લા એક વર્ષમાં આયુષનો ઉપયોગ કરનારા લોકોએ ઘણાં કારણો આપ્‍યા છે. આમાં સૌથી મહત્‍વની હતી - આયુર્વેદ જેવી પરંપરાગત દવાઓ વધુ અસરકારક, ઓછી આડઅસર, દર્દીની જરૂરિયાત મુજબ સારવાર મેળવવી અને અગાઉના સારા અનુભવો.

સર્વેમાં એ પણ બહાર આવ્‍યું છે કે ભારતમાં, ૧૫ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૯૫% ગામડાના લોકો આયુષ વિશે જાણે છે, જયારે શહેરોમાં આ આંકડો ૯૬% છે. એટલું જ નહીં, સરકારી અહેવાલો અનુસાર, ગ્રામીણ અને શહેરી ભારતમાં અનુક્રમે ૭૯% અને ૮૦% ઘરોમાં ઓછામાં ઓછી એક વ્‍યક્‍તિ ઔષધીય વનસ્‍પતિઓ અને ઘરગથ્‍થુ ઉપચારોનું જ્ઞાન ધરાવે છે.

સરકારી અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્‍તારોમાં લગભગ ૨૪% પરિવારોમાં, ઓછામાં ઓછી એક વ્‍યક્‍તિ લોક દવા અથવા સ્‍થાનિક સારવાર પદ્ધતિઓનું જ્ઞાન ધરાવે છે. આ માહિતી જુલાઈ ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ દરમિયાન નેશનલ સેમ્‍પલ સર્વે ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલા સમગ્ર ભારતમાં આયુષ પરના પ્રથમ સર્વેનો ભાગ છે.

આ સર્વે નેશનલ સેમ્‍પલ સર્વેના ૭૯મા રાઉન્‍ડનો ભાગ હતો. આ સર્વેક્ષણમાં સમગ્ર દેશને આવરી લેવામાં આવ્‍યો હતો, જેમાં ૧૮૧,૨૯૮ ઘરોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી હતી, જેમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ૧૦૪,૧૯૫ અને શહેરી વિસ્‍તારોમાં ૭૭,૧૦૩નો સમાવેશ થાય છે.

(11:03 AM IST)