<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રત્‍નો અને કીમતી સ્‍ટોન્‍સની ખાસ પ્રકારની ગોલ્‍ડ જ્‍વેલરીની ઇમ્‍પોર્ટ પર પ્રતિબંધ મુકાયો

સરકારના નિર્ણયથી ભારતની માર્કેટની વિશ્વસનીયતા વધશે

નવી દિલ્‍હી, તા.૧૪: ભારત સરકારે રત્‍નો અને કીમતી સ્‍ટોન્‍સથી બનાવવામાં આવેલી ખાસ પ્રકારની ગોલ્‍ડ જ્‍વેલરીની ઇમ્‍પોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતના ડિરેક્‍ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (DGFT)એ આ સંબંધી મંગળવારે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નોટિફિકેશન મુજબ ઉપર જણાવ્‍યા મુજબની ખાસ જ્‍વેલરી ઇમ્‍પોર્ટ કરવા માટે હવે લાઇસન્‍સ કે મંજૂરી લેવી પડશે. છેલ્લા કેટલાક સમયથી ઇન્‍ડોનેશિયા અને ટાન્‍ઝાનિયા જેવા દેશોમાંથી આ પ્રકારની જ્‍વેલરીની ઇમ્‍પોર્ટમાં ધરખમ વધારો થયો હતો, જેને લીધે ભારતની ગોલ્‍ડ અને જ્‍વેલરી માર્કેટને અસર પહોંચી છે. ભારતની માર્કેટ અને અહીંના કારીગરોના હિતને ધ્‍યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્‍યું હતું.

સરકારના આ નિર્ણયથી ભારતની ગોલ્‍ડ અને જ્‍વેલરી માર્કેટમાં કોઈ અસર થશે? એ વિશે ઇન્‍ડિયા બુલિયન ઍન્‍ડ જ્‍વેલરી અસોસિએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્‍દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘ભારતમાં ગોલ્‍ડ જ્‍વેલરીની ઇમ્‍પોર્ટ જૂજ પ્રમાણમાં થાય છે એટલે ઇમ્‍પોર્ટને સરકારના આ નિર્ણયથી કોઈ અસર નહીં થાય. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં જ્‍વેલરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હુક અને સ્‍ક્રૂની ઇમ્‍પોર્ટ ખૂબ વધી ગઈ છે. ગોલ્‍ડની ઇમ્‍પોર્ટ પર ૧૫ ટકા ટૅક્‍સ છે, જ્‍યારે આ પાર્ટ્‍સ પર ૧૧ ટકા ઇમ્‍પોર્ટ ટૅક્‍સ છે. કેટલાક લોકો આવા હુક અને સ્‍ક્રૂ મોટા પ્રમાણમાં ભારતમાં ઇમ્‍પોર્ટ કરવા લાગ્‍યા છે. તેઓ બાદમાં આ પાર્ટ્‍સ ગોલ્‍ડમાં મેલ્‍ટ કરીને જવેલરી બનાવીને ડિસ્‍કાઉન્‍ટમાં વેચે છે. આ પ્રકારના વેચાણની ભારતની માર્કેટને અસર થઈ છે. આ બાબત સરકારના ધ્‍યાનમાં લાવવામાં આવ્‍યા બાદ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. સરકારના આ નિર્ણયથી ખોટી રીતે લાભ લેનારાઓને ફટકો પડશે અને ભારતની માર્કેટમાં સુધારો થવાની સાથે ગ્રાહકોનો વિશ્વાસ વધશે.'

પ્રતિબંધ મૂકવામાં આવેલી રત્‍નો અને કીમતી સ્‍ટોન્‍સ સાથેની જ્‍વેલરી ઇમ્‍પોર્ટ કરવા માટે લાઇસન્‍સ કે સરકારની મંજૂરી લેવી પડશે. આમ તો દુનિયાભરમાંથી આવી જ્‍વેલરી ઇમ્‍પોર્ટ કરવામાં આવે છે, પણ ઇન્‍ડોનેશિયા અને ટાન્‍ઝાનિયામાંથી મોટા પ્રમાણમાં ઇમ્‍પોર્ટ થઈ હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:33 PM IST)