<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

NEET-UG પેપર લીક મુદ્દે સુપ્રિમ કોર્ટની કેન્દ્ર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને નોટીસ

સીબીઆઇ તપાસની માંગ કરતી અરજી ઉપર સુનાવણી : કાઉન્સેલિંગ પ્રક્રિયા ૬ જુલાઇથી શરૂ થશે

નવી દિલ્હી, તા. ૧૪ : NEET-UG 2024 માં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપોની CBI તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને નોટિસ પાઠવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને બે સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. અગાઉ, NEET 2024 પરિણામમાં ગ્રેસ માકર્સનો મુદ્દો ઉકેલાઈ ગયો હતો. જે અંતર્ગત ૧,૫૬૩ વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ વિદ્યાર્થીઓને NEET પરીક્ષા કેન્દ્રમાં ગેરવહીવટના કારણે સમયની ખોટ દર્શાવીને ગ્રેસ માકર્સ આપવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન ફવ્ખ્એ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવાના નિર્ણયને પણ ખોટો ગણાવ્યો હતો.

 ગ્રેસ માકર્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કનુ અગ્રવાલે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેંચને જણાવ્યું હતું કે એનટીએએ ગ્રેસ માર્કસ અંગે ૪ જૂનના નિર્ણયને રદ કર્યો છે અને ૨૩ જૂને ફરીથી પરીક્ષા યોજશે. પુનઃ પરીક્ષાનું પરિણામ ૩૦ જૂને જાહેર કરવામાં આવશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ૬ જુલાઈથી શરૂ થશે.

NEET પુનઃપરીક્ષા પહેલા, ઉમેદવારોને ગ્રેસ માર્કસનો સમાવેશ કર્યા વિના, ૫ મેના રોજ પરીક્ષામાં તેમના મૂળ ગુણ વિશે જાણ કરવામાં આવશે. જે ઉમેદવારો પુનઃપરીક્ષામાં ન આવવાનું પસંદ કરે છે તેઓએ તેમના મૂળ ગુણ સાથે ગ્રેસ માર્કસ વિના આગળ વધવું પડશે. તમને જણાવી દઈએ કે ૧,૫૬૩ વિદ્યાર્થીઓને શરૂઆતમાં ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા કારણ કે તેમને પરીક્ષા પૂર્ણ કરવા માટે ૩ કલાક અને ૨૦ મિનિટનો સમય આપવામાં આવ્યો ન હતો. તપાસ બાદ NTA દ્વારા રચવામાં આવેલી ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે આ ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પછી NEET ના ગ્રેસ માર્કસના નિર્ણય પર વિરોધ શરૂ થતાંની સાથે જ બીજી કમિટીએ આ મુદ્દા પર પુનર્વિચાર કર્યો અને ગ્રેસ માર્કસ રદ કરવા અને પુનઃ પરીક્ષા યોજવાની ભલામણ કરી. જેની મંજૂરી પણ સુપ્રીમ કોર્ટે આપી દીધી છે.

NEET 2024 ની પરીક્ષા ૫ મેના રોજ વિદેશના ૧૪ શહેરો સહિત ૫૭૧ શહેરોમાં ૪,૭૫૦ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પેપર લીકના સમાચાર સામે આવ્યા હતા અને કેટલીક ધરપકડ પણ કરવામાં આવી હતી. NEET પરિણામ પછી, ૬૭ ટોપર્સ અને ઉમેદવારોએ ગ્રેસ માકર્સ મુદ્દે પશ્નો ઉઠાવ્યા અને પ્રદર્શન કર્યું. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટના અંતિમ નિર્ણય બાદ ગ્રેસ માકર્સ રદ કરવા પડ્યા હતા. હવે, શુક્રવારે સુનાવણી દરમિયાન, NEET પરીક્ષામાં ગેરરીતિઓ અને પ્રશ્નપત્ર લીકની CBI તપાસની માંગ કરતી અરજી પર, કોર્ટે કેન્દ્ર અને NTAને નોટિસ જારી કરી છે અને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે

(3:59 PM IST)