<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

લોકોએ મોદીની લઘુમતી સરકારને પસંદ કરી: સરકાર ગમે ત્યારે પડી શકે: મલ્લિકાર્જુન ખડગે

જેડીયુ નેતા કેસી ત્યાગીએ ખડગેના નિવેદનની નિંદા કરી અને ખડગે પર અરાજકતાનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવેલ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર ભૂલથી બની ગઈ છે અને તે જલદીથી પડી જશે.

  NDA સરકાર પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકોએ લઘુમતી સરકારને પસંદ કરી છે. ખડગેએ દાવો કર્યો હતો કે લોકોએ મોદીની લઘુમતી સરકારને પસંદ કરી છે અને આ ગઠબંધન સરકાર ગમે ત્યારે પડી શકે છે.

   તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપ 240 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતી માટેનો આંકડો 272 બેઠકોને પાર કરી શક્યો નહોતો. જે બાદ ભાજપને બહુમતીનો આંકડો પાર કરવા માટે, સાથીપક્ષોના સમર્થનની જરૂર પડી અને તેમણે એનડીએના સહયોગી એન ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને એકનાથ શિંદે સાથે સરકાર બનાવી છે.

  જનતા દળ યુનાઈટેડના નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગે પર અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. કેસી ત્યાગીએ કહ્યું, “મલ્લિકાર્જુન ખડગે વાંધાજનક નિવેદનો કરીને અરાજકતા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જી રહ્યા છે, હું તેની નિંદા કરું છું.” આ પહેલા પણ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા હતા અને ઈન્ડિયા ગઠબંધન નીતિશ કુમારના સમર્થનની માંગ કરી રહ્યું હતું, તે સમયે પણ કેસી ત્યાગીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધન સાથે નહીં જાય અને એનડીએ ગઠબંધનને જ સમર્થન આપશે.

(7:29 PM IST)