<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી કેરી

આંબા પર લટકતી હોય ત્‍યારે જે એડવાન્‍સ બુકિંગ થાય છે

ઇન્‍દોર,તા. ૧૭: ઉનાળામાં કેરીની અનેક વેરાયટીઓના માર્કેટમાં ભાવતાલ થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજન ધરાવતી નુરજહાં નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે.એક સમય એવો પણ હતો જયારે આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્‍યારે જે તેનું એડવાન્‍સ બુકિંગ થાય છે.

નુરજહાં કેરીને જાન્‍યુઆરી મહિનામાં નાના ફળ બેસવાનું શરુ થાય છે અને મે મહિના સુધીમાં પાકીને તૈયાર થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત ૨૦  કે ૨૫ રુપિયા નહી પરંતુ પુરા ૫૦૦ થાય છે. સરેરાશ ૩ થી ૪ કિલો વજન એક કેરીની ગોટલીનું વજન ૨૫૦ થી ૩૦૦ ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટ જેટલી હોય છે.

ઋતુચક્રમાં થતા ફેરફાર અને વાયુ પરીવર્તનના લીધે હવે નુરજહાં ના ફળ નાના થતા જાય છે.શિયાળામાં અતિ ઠંડી અને ઉનાળામાં અતિ ગરમી તથા અનિશ્ચીત વરસાદ અને વાવાઝોડા સામે નુરજહાં જાત સંઘર્ષ કરી રહી છે. અફઘાન મૂળની ગણાતી આ કેરીની એક સમયે વિદેશમાં પણ ખૂબ નિકાસ થતી હતી.

દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્‍પાદન મધ્‍યપ્રદેશના ઇન્‍દોરથી ૨૫૦ કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્‍તારમાં થાય છે.એક માહિતી મુજબ આ વિસ્‍તારમાં નુરજહાં કેરીના ગણ્‍યા ગાંઠયા આંબા જ બચ્‍યા છે. ખેડૂતોના જણાવ્‍યા અનુસાર એક સમયે એક આંબા પર ૪૦૦ કેરીઓ બેસતી હતી તે ઘટીને ૭૫ જેટલી થઇ છે.અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સ્‍થાનિક લોકોનું માનવું છે કે એક સમયે એક નુરજહા કેરીનું વજન ૭ કિલો સુધી પણ જોવા મળતું હતું.

(10:04 AM IST)