<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ઝારખંડના સરંડા જંગલમાં પોલીસ એન્કાઉન્ટરમાં એક મહિલા સહિત 4 નક્સલવાદીઓ માર્યા ગયા:મહિલા સહીત 2ની ધરપકડ

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણ:મૃતકો નક્સલવાદી સંગઠનમાં મહત્વના હોદ્દા પર હતા

ચાઈબાસા: ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સોમવારે સવારે એક અથડામણમાં સુરક્ષા દળોએ ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં બે નક્સલીઓની ધરપકડ કરવામાં પણ સુરક્ષા દળોને સફળતા મળી છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એક મહિલા નક્સલવાદીનો પણ સમાવેશ થાય છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા તમામ નક્સલવાદી સંગઠનમાં મહત્વના હોદ્દા પર હતા. મૃતક નક્સલવાદી સંગઠનમાં એરિયા કમાન્ડર, સબ ઝોનલ કમાન્ડર અને ઝોનલ કમાન્ડરનો દરજ્જો ધરાવતા હતા. ધરપકડ કરાયેલા નક્સલીઓમાં એક મહિલા અને એક પુરુષ નક્સલીનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્થળ પરથી નક્સલીઓના મૃતદેહની સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.

  પશ્ચિમ સિંહભૂમના ગુવા પોલીસ સ્ટેશન વિસ્તારના લિપુંગા જંગલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો ઝોનલ કમાન્ડર પણ માર્યો ગયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક આશુતોષ શેખરે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ ઝોનલ કમાન્ડર સિંગરાઈ ઉર્ફે મનોજ, સબ ઝોનલ કમાન્ડર કાંડે હોનહાગા ઉર્ફે દિર્શુમ, એરિયા કમાન્ડર સૂર્ય ઉર્ફે મુંડા દેવગામ અને મહિલા નક્સલવાદી કેડર જુંગા પૂર્તિ ઉર્ફે મરલા તરીકે થઈ છે.

  પોલીસે મારલા સિવાયના તમામ માર્યા ગયેલા નક્સલવાદીઓ માટે ઈનામની જાહેરાત કરી છે. સિંગરાઈ ઉર્ફે મનોજ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કાંડે પર 5 લાખ અને સૂર્યા પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું. પકડાયેલા બે નક્સલવાદીઓની ઓળખ ટાઈગર ઉર્ફે પાંડુ હંસદા અને બટારી દેવગામ તરીકે થઈ છે. પાંડુ હંસદા પર 2 લાખ રૂપિયાનું ઈનામ હતું. બટારી દેવી એક મહિલા નક્સલવાદી છે.

  મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં હતા. આ દરમિયાન ઓચિંતો ઘેર બેઠેલા નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી ગોળીબારમાં જવાનોએ ચાર નક્સલીઓને ઠાર કર્યા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અન્ય કેટલાક નક્સલવાદીઓને પણ ઠાર કરાયા હોવાની માહિતી છે.

(10:29 AM IST)